વેદનો મર્મ
જ્ઞાની સમજાવે તો
સહજ પ્રાપ્ય

કુવા તણો જે હેતુ તે સરવરમાંહિ સરે,
તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનીમહીં મળે.

यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥

भावार्थ : सब ओर से परिपूर्ण जलाशय के प्राप्त हो जाने पर छोटे जलाशय में मनुष्य का जितना प्रयोजन रहता है, ब्रह्म को तत्व से जानने वाले ब्राह्मण का समस्त वेदों में उतना ही प्रयोजन रह जाता है ॥46॥

ઉંડા કુવામાંથી પાણી કાઢવું હોય તો ઘડો કે ડોલને દોરડું બાંધીને કુવામાં ઉંડે સુધી ઉતારવી પડે. પાણી ભરાય પછી ધીરે ધીરે બહાર ખેંચીને કાઢવી પડે. દોરડું ને બાવડાં બંન્ને મજબૂત જોઈએ. કુવામાં પડી ન જવાય તેનું યે ધ્યાન રાખવું પડે. હેતુ તો પાણી મેળવવાનો હોય. સરોવર કાંઠેથી તેનું તે પાણી સરળતાથી પ્રાપ્ત થાય. હવે તો મ્યુમ્નિસિપાલિટી ઘરે બેઠા પાણી પહોંચાડે છે. ટુંકમાં પાણી મેળવવો તે હેતું હોય તો તે કુવામાંથી ભરો છો કે સરોવરમાંથી લાવો છો કે ઘરે આવી જાય છે તે મહત્વનું નથી પણ પાણી મહત્વનું છે.

જેમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તે વેદનો કર્મકાંડ વિભાગ વાંચે, ઉપાસના કાંડ વાંચે પછી જ્ઞાન કાંડ વાંચે. આ બધું વાંચ્યા પછીએ તેનો યથાર્થ હેતુ સમજે કે કેમ તે કહેવું મુશ્કેલ. વેદનું જે તાત્પર્ય છે તે તાત્પર્ય જ્ઞાની સહજ અને સરળ રીતે સમજાવી દઈ શકે. તો પછી વેદનો વિષદ અભ્યાસ કરીને પછી યે સમજાય કે ન સમજાય તેના કરતાં કોઈ યોગ્ય જ્ઞાની વ્યક્તિ પાસેથી જાણી લેવાથી તે જ હેતુ સરી જતો હોય છે.

શાસ્ત્ર જાળ મહા જાળ છે. જેમ જેમ તમે વાંચતા જાવ તેમ તેમ ગુંચવાતા જાવ. અર્જુન પણ આગળ જતાં શ્રી કૃષ્ણને કહેશે કે શું આ તમે ગોળ ગોળ વાત કરો છો? એક નિશ્ચિત વાત કહોને કે જેથી મ્હારું કલ્યાણ થાય. નરસૈંયો કહે છે કે:-

“ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી”. ગ્રંથ અને શાસ્ત્રો ઉલટાના ગુંચવી દેનારા હોય છે. તેને બદલે કોઈ આત્મજ્ઞાની મહાપુરુષની સરળ સહજ વાણી જેવી કે કબીરજી / લાહિરિ મહાશય / નરસિંહ મહેતા અને અન્ય સિદ્ધ ભક્તો સંતો કે જે તેમની સાધના અને અનુભૂતીના સારરુપે જે વાત કરે છે તે શાસ્ત્રનો નિચોડ જ હોય છે. શ્રી રમણ મહર્ષિએ ઉપદેશ સારમાં માત્ર ૩૦ નાના નાના શ્લોકમાં અધ્યાત્મનો સર્વ સાર સમજાવી દીધો છે.

ઘણી વખત વિજ્ઞાન / ટેકનોલોજી / શાસ્ત્ર કે કોઈ પણ અટપટા વિષય મેળે મેળે વાંચીએ તો ન સમજાય પણ કોઈ આચાર્ય કે તજજ્ઞ સમજાવે તો તરત સમજાય જાય. આજ મહ્ત્વ જીવનમાં માર્ગદર્શક / આચાર્ય કે ગુરુનું છે. કેટલાંક લોકો ગુરુ શબ્દ આવતા નાકનું ટિચકું ચડાવે છે. તેમના મનમાં ઢોંગી / ધતિંગ કરનારા/ બીજાને બેવકુફ બનાવીને પોતાના ખીસ્સા ભરનારા તેવા તેવા શબ્દો ઉભરાવા લાગે છે. જ્યારે હકીકત તે છે કે આપણને પ્રાપ્ત થતું મોટા ભાગનું જ્ઞાન માર્ગદર્શકો દ્વારા મળેલું હોય છે. ડિસ્કવરી ચેનલ જોઈએ / વિજ્ઞાનના પુસ્તકો વાંચીએ / પ્રવાસ વર્ણનો દ્વારા બીજા પ્રદેશોની માહિતિ મેળવીએ અને આ ઉપરાંત અન્ય કોઈ જ્ઞાન આપણે મેળવીએ અથવા તો મેળવ્યું છે તેવું માનીએ તેમાંથી મોટા ભાગનું તો અન્ય કોઈની મહેનતનું ફળ જ હોય છે. આવી રીતે વેદનો મર્મ સમજવા માટે સહુ કોઈએ વેદને સમજવાની જરુર નથી પણ સાચી અને પ્રમાણિક આધ્યાત્મિક વિભુતિઓ પાસેથી મેળવવાથી તે સહજ પ્રાપ્ય બને છે.

Advertisements