ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: ફેબ્રુવારી 2012

ભોગ ભોગવ્યે
લોલુપતા, છોડી દ્યો
તો સ્વતંત્રતા

વિષય રસ
છોડ્યે ન છૂટે, છૂટે
પ્રભુને પામ્યે

વિષયો જેના ભોગવે તેના વિષય છૂટે,
રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ તૂટે.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते ॥

भावार्थ : इन्द्रियों द्वारा विषयों को ग्रहण न करने वाले पुरुष के भी केवल विषय तो निवृत्त हो जाते हैं, परन्तु उनमें रहने वाली आसक्ति निवृत्त नहीं होती। इस स्थितप्रज्ञ पुरुष की तो आसक्ति भी परमात्मा का साक्षात्कार करके निवृत्त हो जाती है ॥59॥

પાંચેય જ્ઞાનેન્દ્રિયો બહીર્મુખ છે. તેની સ્વાભાવિક વૃત્તિ જ બહારથી જ્ઞાન પ્રાપ્ત કરવાની છે. આ જ્ઞાનેન્દ્રિયો જ્યારે જ્ઞાન સંપાદન કરવા માટે પ્રવૃત્ત થાય ત્યારે તે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીને જીવાત્માને જગતમાં ટકી રહેવા મદદરુપ થાય છે. આ જ્ઞાનેન્દ્રિયો જ્યારે બાહ્ય જ્ઞાન મેળવવાના તેના મુખ્ય કાર્યને બદલે જુદા જુદા બાહ્ય વિષયોમાં લોલુપ થઈને વિષય રસ ભોગવવા લાગે છે ત્યારે તે બેકાબુ બની જાય છે. જેમ જેમ તે વિષયો ભોગવે છે તેમ તેમ તેની ભોગ ભોગવવાની તૃષ્ણા વધતી જ જાય છે. એક વખત વ્યસનનો ચસ્કો લાગે પછી વ્યસન વગર જેમ વ્યસનીને ચાલતું નથી તેમ એક વખત વિષયનો રસ લાગે પછી તે વિષય ભોગવ્યાં વગર ઈંદ્રિયોને ચેન પડતું નથી.

જુદા જુદા પ્રાણીઓની જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો સતેજ હોય છે.

હરણની શ્રવણેન્દ્રિય સતેજ હોય છે. એક વખત તે સંગીત સાંભળવામાં મગ્ન બની જાય તો શીકારી આવીને ક્યારે તેનો શીકાર કરી નાખે તેનું યે તેને ભાન રહેતું નથી. હરણને તીવ્ર શ્રવણેન્દ્રિય શીકાર બની ન જાય તે માટે આપી હોય છે કે જેથી સહેજ સંચાર થાય તો યે તેને ખબર પડી જાય અને દોડીને ભાગી છૂટે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

હાથી સ્પર્શમાં આસક્ત હોય છે. શીકારીઓ અને સરકસવાળા મોટા મોટા મદમસ્ત હાથીને પકડવા છટકું ગોઠવે છે. મોટો ખાડો કરીને તેની ઉપર ઘાસ અને પાંદડા અને તેવું બધું પાથરીને તેની ઉપર એક રમકડાની કૃત્રિમ હાથણીને ગોઠવે છે. મદાંધ હાથી તેને જોઈને લટ્ટુ થઈને દોડે છે અને ખાડામાં પડે છે અને શીકારીઓના હાથમાં સપડાઈ જાય છે. હાથીને તીવ્ર સ્પર્શેન્દ્રિય તો નાનકડું મચ્છરે ય શરીર પર બેસે તો ખ્યાલ આવી જાય તે માટે હોય છે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

પતંગીયાને તેજ (રુપ) પસંદ હોય છે. દિવાની જ્યોતના રુપથી આકર્ષિત થઈને તે ઘણી વખત બળી મરે તો યે રુપની આસક્તિનો ત્યાગ કરી શકતું નથી. પતંગીયું રંગીન ફુલોથી આકર્ષાઈને રસ ચુસી શકે વળી તે પરાગનયનમાં ઉપયોગી બને તે હેતુંથી તેને રુપ પ્રત્યે આસક્તિ આપવામાં આવી હોય છે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

માછલીની સ્વાદેન્દ્રિય સતેજ હોય છે. શીકારીઓ ગલમાં સ્વાદિષ્ટ ખોરાક નાખીને માછલીને ગલમાં ફસાવી દે છે.

ભમરો ગંધમાં આસક્ત હોય છે. કમળના પુષ્પની ગંધ લેવા જતાં તે એટલો બધો આસક્ત થઈ જાય છે કે જે લાકડાને કોરી શક્વાની શક્તિ ધરાવતો હોય તે ગંધના મોહથી મુક્ત ન થઈને કમળની પાંદડીમાં બેહોશ થઈને મૃત્યું પામે છે.

આવી રીતે એક એક પ્રાણીને જો તેની ઈંદ્રિયનો યોગ્ય ઉપયોગ ન કરે તો તે ઈંદ્રિય તેને મોતના મુખમાં ધકેલી દેતી હોય તો માણસની તો પાંચેય ઈંદ્રિયો સતેજ હોય છે. તેને જાત જાતના સંગીત સાંભળવાનું, રમણીઓ અને લલનાઓ પાછળ લટ્ટુ બનીને ભમવાનું, જાત જાતના દૃશ્યો જોવાનું, જાત જાતની વાનગીઓ આરોગવાનું, જાત જાતની સુગંધ અને અત્તરો છાંટવાનું ઘેલું લાગ્યું હોય છે. આવી ઈંદ્રિયોમાં આસક્ત મનુષ્ય ઈંદ્રિયોના વિષયોનો એટલો તો ગુલામ બની જાય છે કે પછી પોતાના કર્તવ્ય કર્મો કરી શકવાની યે શક્તિ નથી રહેતી. વિદ્યાર્થીઓ ભણવાનું ભુલી જાય છે. ગૃહસ્થો ફરજો ભુલી જાય છે. નેતાઓ રાજ ધર્મ ભુલી જાય છે. વેપારીઓ નીતિમત્તા ભુલી જાય છે. અફસરો અને સાહેબો ફરજ પાલન અને યોગ્ય વ્યવસ્થા જાળવવાનું ભુલી જાય છે. જે દેશમાં ધર્મની આટ આટલી કથા વાર્તાઓ થતી હોય તે દેશ જ સહુથી વધુ ઈંદ્રિયાસક્ત અને કર્તવ્યથી વિમુખ થતી પ્રજાનો સ્ત્રોત બની જાય છે તે કેટલી કમનસીબીની બાબત છે. આ સડાના મુળીયામાં જોઈએ તો કર્તવ્ય પાલન કરવાની નિષ્ઠાનો અભાવ અને ઈંદ્રિયભોગની લાલસા જ મુખ્ય કારણ રુપે જણાય છે.

જે વ્યક્તિ આ જ્ઞાનેન્દ્રિયો પર કાબુ કરીને તેને વિષયોમાં ભ્રમણ કરવા નથી દેતી પણ કર્મેન્દ્રિયોને કર્તવ્યપાલનમાં લગાડે છે અને જ્ઞાનેન્દ્રીયોને જ્ઞાન સંપાદનમાં લગાડે છે તેમની વિષય વાસના છુટતી જાય છે.

જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન મળે ત્યાં સુધી કોઈ નિકૃષ્ટ છોડી શકતું નથી. તેવી રીતે જ્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ નથી થતી. પ્રભુની દિવ્યતાનો સ્પર્શ નથી થતો. સ્વરુપની મસ્તી મળતી નથી. આત્માનંદ ચાખ્યો નથી હોતો ત્યાં સુધી ગમે તેટલો કાબુ રાખવામાં આવે તો યે વિષય પ્રત્યે ઈંદ્રિયોનો રસ જળવાઈ રહે છે. જ્યારે ઈશ્વરની અનુભૂતી થાય કે સ્વરુપનો સાક્ષાત્કાર થાય ત્યારે ખ્યાલ આવે છે કે આ ઈંદ્રિયભોગો તો દિવ્ય આનંદ પાસે સાવ તુચ્છ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસ: કહેતા કે જો વિષયાનંદને ૧ ગણો તો ભજનાનંદને ૧૦૦ ગણો અને બ્રહ્માનંદની તો કોઈ ગણના જ ન થઈ શકે. બ્રહ્માનંદ કે સ્વરુપનો આનંદ ચાખ્યાં પછી સાધકને વિષયમાં કશો રસ નથી રહેતો. મીરા બાઈ, કબીર, નાનક, તુલસી, શ્રી રમણ મહર્ષિ, નરસિંહ મહેતા આવા આવા ભક્તો અને જ્ઞાનીઓ આ દિવ્ય આનંદમાં તરબોળ થઈને વિષયોથી સર્વથા રહિત થઈને મસ્ત જીવન જીવી ગયાં.

સામાન્ય સંસારી જીવોને માટેય ઈંદ્રિયોને વિષયોથી છોડાવવી શ્રેયસ્કર હોય છે. જેમની ઈંદ્રિયો કાબુમાં હોય તેઓ વધારે સારું કર્તવ્ય પાલન કરી શકે છે અને વધું સારું જીવન બનાવી શકે છે.


જ્ઞાની ઈંદ્રિયો
કાચબો જ્યમ અંગો
સંકેલી લે છે

જેમ કાચબો અંગને સંકોચી લે છે,
ઈન્દ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે.

यदा संहरते चायं कूर्मोऽङ्गनीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : और कछुवा सब ओर से अपने अंगों को जैसे समेट लेता है, वैसे ही जब यह पुरुष इन्द्रियों के विषयों से इन्द्रियों को सब प्रकार से हटा लेता है, तब उसकी बुद्धि स्थिर है (ऐसा समझना चाहिए) ॥58॥

પ્રતિકોનું આગવું મહત્વ હોય છે. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે ત્યાં પોઠીયો, કાચબો, શિવજીની ઉપર ફણીધર નાગ, તેની ઉપર ઝારીમાં ટપક્યાં કરતું પાણી, પાછળ રહેલી ઉમાજીની પ્રતિમા આ સર્વનો એક નિશ્ચિત અર્થ છે.

જ્યારે બાહ્ય દુશ્મનો આવી ચડે ત્યારે કાચબો પોતાની ઢાલમાં ચારેય પગ અને માથું અંદર ખેંચી લે છે. અહીં કાચબાના દૃષ્ટાંત દ્વારા તે જ વાત જ્ઞાનીને લાગુ પાડેલ છે. જ્યારે ઈંદ્રિયો બાહ્ય વિષયમાં આસક્ત થવા જાય ત્યારે જ્ઞાની તેને વિષયોથી પાછી ખેંચીને મનની વૃત્તિને આત્મા તરફ વાળી દે છે. જ્ઞાની કર્તવ્ય કર્મો કરવા પુરતી ઈંદ્રિયોને છુટ આપે છે પણ વિષયો ભોગવવા માટે અનુમતિ નથી આપતાં.

કઠોપનિષદમાં જીવને રથની ઉપમા આપીને સમજાવ્યો છે. જેમાં આત્માં રથી છે. બુદ્ધિ સારથી છે. મન લગામ છે. ઈંદ્રિયો ઘોડા છે. અને દેહ રથ છે. જો દેહરુપી રથને લાગેલા ઈંદ્રિયોરુપી પાંચ ઘોડા યથેચ્છ વિહાર કરવા લાગે તો મન રુપી લગામ દ્વારા બુદ્ધિ રુપી સારથીએ તેને પાછાં ખેંચીને યોગ્ય માર્ગે લાવવા જોઈએ. જ્યારે મન રુપી લગામ બુદ્ધિ રુપી સારથીના નિયંત્રણમાં હોય ત્યારે જીવાત્માંની યાત્રા યોગ્ય રીતે થાય છે. જો બુદ્ધિ રુપી સારથીના કાબુમાં મન રુપી લગામ ન હોય તો ઈંદ્રિયરુપી ઘોડા તેને યથેચ્છ ભ્રમણ કરાવીને દેહરુપી રથને વિષયોરુપી ખાડામાં ગબડાવી દે છે અને પરીણામે જીવાત્માની અધોગતિ થાય છે.

જે જ્ઞાની છે જેની બુદ્ધિ અચળ છે તેમનો ઈંદ્રિયો અને મન પર કાબુ હોય છે. આવા જ્ઞાનીઓની ઈંદ્રિયો જ્યારે વિષયોમાં યથેચ્છ ભ્રમણ કરવા ઈચ્છે ત્યારે જ્ઞાની તેને મનરુપી લગામથી પાછી ખેંચી લે છે.


શુભે ન હર્ષ
અશુભે નહીં શોક
તે સ્થિતપ્રજ્ઞ

સારું માઠું પામતાં ચંચલ જે ના થાય,
શોક કરે કે ના હસે, જ્ઞાની તે જ ગણાય.

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्‌ ।
नाभिनंदति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : जो पुरुष सर्वत्र स्नेहरहित हुआ उस-उस शुभ या अशुभ वस्तु को प्राप्त होकर न प्रसन्न होता है और न द्वेष करता है, उसकी बुद्धि स्थिर है ॥57॥

જેની પ્રજ્ઞા આત્મામાં સ્થિત છે તે શુભ ઘટના ઘટે તો હર્ષથી ગદ ગદીત નથી થતો કે કશીક અશુભ ઘટના ઘટે તો શોક ગ્રસ્ત નથી થઈ જતો.

ક્રીકેટમાં ભારતની ટીમ વર્લ્ડકપ જીતી આવે તો તે ફટાકડાં નથી ફોડવા લાગતો કે ભવનાથના મેળામાં ભીડ, ટોળાં અને અવ્યવસ્થાને લીધે લોકો દબાઈ જાય કે બેભાન થઈ જાય તો તે શોક ગ્રસ્ત નથી થઈ જતો. સારી માઠી કોઈ પણ પરિસ્થિતિ દરમ્યાન તે સમજે છે કે પ્રત્યેક ઘટના કાર્ય – કારણના નિયમ અનુસાર ઘટે છે. હંમેશા કશુંક શુભ અને અશુભ ઘટવાનું જ છે. આ બધી જ ઘટનાઓ પ્રકૃતિમાં ઘટે છે. પ્રકૃતિના અધિષ્ઠાન બ્રહ્મમાં કશોય ફેરફાર નથી થતો.

પૃથ્વીની ૩૦ કીલોમીટર નીચે ધગધગતો લાવારસ હોય છે. સુર્ય તો સાક્ષાત પ્રચંડ અગ્નિ જ છે. આવા સુર્ય અને ચંદ્ર પણ જેને પ્રકાશી શકતાં નથી પરંતુ જેની સત્તાથી સુર્ય અને ચંદ્ર પ્રકાશે છે તેવા બ્રહ્મમાં જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત હોય તેને જગતની ક્ષુલ્લક ઘટનાઓ શું હચમચાવી શકે? આવી પ્રબુદ્ધ પ્રજ્ઞા કે જે હંમેશા આત્મભાવમાં સ્થિત રહે છે તે સર્વદા હર્ષ-શોક રહિત આત્માનંદમાં સ્થિત હોય છે.


દુ:ખે ન શોક
સુખની ન કામના
તે બુદ્ધિ સ્થીર

રાગ રહિત
ક્રોધ ભય વિમુક્ત
તે સ્થિતપ્રજ્ઞ

દુ:ખ પડે તો શોકના, સુખની ના તૃષ્ણા,
રાગ ક્રોધ ભય છે ગયાં, તે મુનિ સ્થિત મનના.

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥

भावार्थ : दुःखों की प्राप्ति होने पर जिसके मन में उद्वेग नहीं होता, सुखों की प्राप्ति में सर्वथा निःस्पृह है तथा जिसके राग, भय और क्रोध नष्ट हो गए हैं, ऐसा मुनि स्थिरबुद्धि कहा जाता है ॥56॥

જે બાબત પ્રચલિત હોય. સંસારમાં જે પ્રમાણે લોકો વર્તતા હોય તેવું કોઈને કહેવાની જરુર ન પડે કે તેને કોઈ વિશેષ રીતે સમજવાની કે સમજાવવાની જરુર ન પડે. મુઢ અને ચંચળ લોકો તો સંસારમાં સર્વત્ર જોવા મળે છે તેથી તેમને વિશે સમજાવવાની જરુર ન પડે પણ જે લોકો વિશિષ્ટ હોય કશુંક મહત્વનું પોતાના જીવનમાં સિદ્ધ કરી ચૂક્યાં હોય તેઓ કેવા હોય અને શું કરવાથી તેમણે આવી સ્થિતિ પ્રાપ્ત કરી તે અભ્યાસનો વિષય બને. સર્વનો સામાન્ય અનુભવ છે કે દુ:ખ આવે એટલે શોક થાય અને સુખની ઈચ્છાઓ જીવોને હોય જ છે. આ ઉપરાંત જેમાં જેમાં સુખ મળે તેમાં રાગ થાય છે તે વાત પણ સર્વ વિદિત છે. વળી જે કોઈ સુખની આડે આવે તેની ઉપર ક્રોધ થાય છે. આ ઉપરાંત દુ:ખ આવી ન પડે અને સુખ છીનવાઈ ન જાય તેનો ભય રહ્યાં કરતો હોય છે. આ સ્વાભાવિક લક્ષણો જે સ્થિત પ્રજ્ઞ નથી તેનામાં હોય છે.

જે સ્થિત પ્રજ્ઞ છે તેનાયે જીવનમાં અનુકુળતા અને પ્રતિકુળતા તો આવતી જ હોય છે. અનુકુળતાથી સુખ થાય અને પ્રતિકુળતાથી દુ:ખ થાય તે તો સર્વ વિદિત છે. જે સ્થિત પ્રજ્ઞ છે તેમની અને બીજા સંસારી લોકોની આવા સમયે પ્રતિક્રિયામાં ફેર હોય છે. સામાન્ય જન દુ:ખ આવે તો શોક ગ્રસ્ત થાય છે અને સુખ આવે તો છકી જાય છે અથવા તો વધુ ને વધુ સુખી થવા માટે ફાંફા માર્યા કરે છે. જ્યારે સ્થિત પ્રજ્ઞ સમજે છે કે સુખ દુ:ખ આવવા જવા વાળા છે. પ્રકૃતિમાં દ્વંદ્વ તો રહેવાના જ છે. તડકો છાંયો, સુખ દુ:ખ, જન્મ મૃત્યું, અનુકુળતા પ્રતિકુળતા આ બધું પ્રકૃતિમાં નીરંતર પરિવર્તન થતાં હોવાને લીધે બનવાનું છે. જેઓ આત્માંમાં સ્થીર છે અને જેનું પરમ તત્વ સાથે સતત અનુસંધાન રહે છે તેવા જ્ઞાની અને યોગીઓ આવા બાહ્ય પરિવર્તનના સમયે દુ:ખ આવે તો શોક ગ્રસ્ત નથી થતાં કે સુખની તૃષ્ણા રાખીને નથી ફરતાં. તેઓ હંમેશા પોતાનું કર્તવ્ય કર્મ કર્યાં કરે છે. વળી દુ:ખ પ્રત્યે ય તેમને દ્વેષ નથી હોતો તેથી દુ:ખ માટેના નિમિત્ત કારણો પર તેમને ક્રોધ નથી આવતો. આનંદ તો તેમને આત્મામાંથી જ મળતો હોય છે તેથી બાહ્ય સુખની કશી અભીલાષા નથી હોતી. અનંત, વિભુ અને જન્મ મરણ રહિત આત્મામાં સ્થિતિ હોવાને લીધે તેમને કશાનો ભય નથી લાગતો.

જે લોકો આ રીતે સુખેચ્છા રહિત અને દુ:ખ પડ્યે શોક ગ્રસ્ત નથી થતાં અને જેમણે રાગ, ક્રોધ અને ભય ઉપર કાબુ મેળવી લીધો છે તેઓની બુદ્ધિ સ્થીર થઈ છે તેમ સમજવું. બુદ્ધિશાળી લોકોએ પોતાના ગુણ મેળે જ મુકવા કે પોતાની બુદ્ધિ કેટલી સ્થીર છે.


મીરા બાઈ ભક્ત હતા. નંદલાલાના પ્રેમમાં એટલા બધાં પાગલ હતા કે સગા વહાલા અને કુટુંબીઓને છોડી દેવા પડ્યાં તો યે ઈશ્વરને ન છોડ્યાં. તેવું કહેવાય છે કે તેમનું પાર્થિવ શરીર મૃત્યું પછી પ્રાપ્ત ન થયું અને તેઓ સદેહે શ્રી કૃષ્ણની મુર્તિમાં સમાઈ ગયાં. તેમના જીવન વિશે આપણે ઈતિહાસકારોને સંશોધન કરવા દઈએ. જેઓ પ્રભુના દિવાના છે તેમને મીરા બાઈ એક સુંદર વાત આ ભજનમાં કહે છે કે : પ્રભુ મેળવવા હોય તો સાધન, ભજન અને ઈશ્વર પ્રતિ પ્રેમ અને પ્રિત હોવા ખુબ જરુરી છે. તો આજે માણીએ મીરા બાઈનું આ ભજન.


સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ
પ્રેમ લગાના ચાહિરે મનવા
પ્રીત કરના ચાહિ (ધૃવ)

નિત નાવન સે હરિ મિલે
તો જલ જંતુ હોય,
ફલમૂલ ખા કે હરિ મિલે
તો બાદૂર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂ તુલસી ઝાડ,
પત્થર પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે
તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડન સે હરિ મિલે
તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે
તો બહુત વત્સ બાલા
’મીરાં’ કહે બિના પ્રેમ સે
નહીં મિલે નંદલાલા.


કામના ત્યાગી
આત્માનંદે સંતુષ્ટ
તે સ્થિતપ્રજ્ઞ

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,
આત્માનંદે મગ્ન છે સ્થિતપ્રજ્ઞ કહ્યાં તે.

अर्जुन उवाच

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌ ॥

भावार्थ : अर्जुन बोले- हे केशव! समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिरबुद्धि पुरुष का क्या लक्षण है? वह स्थिरबुद्धि पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चलता है? ॥54॥

श्रीभगवानुवाच

प्रजहाति यदा कामान्‌ सर्वान्पार्थ मनोगतान्‌ ।
आत्मयेवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥

भावार्थ : श्री भगवान्‌ बोले- हे अर्जुन! जिस काल में यह पुरुष मन में स्थित सम्पूर्ण कामनाओं को भलीभाँति त्याग देता है और आत्मा से आत्मा में ही संतुष्ट रहता है, उस काल में वह स्थितप्रज्ञ कहा जाता है ॥55॥

અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક જાતની વાતો અનેક વિદ્વાનોના અવતરણો, અનેક પ્રકારની કથાઓ વગેરે વાંચી અને સાંભળીને બુદ્ધિ ચંચળ બની જાય છે. અનેક પ્રકારની વાસના વાળા તો મુઢ મતિ જ હોય છે. જ્યારે જાત જાતનું સાંભળવાથી બુદ્ધિ ચંચળ બની જાય છે. જે મહાત્માએ પરમ તત્વનો અનુભવ કરી લીધો છે, આત્માનંદમાં જ સંતુષ્ટ છે તેમની બુદ્ધિ અચળ હોય છે. યોગ બુદ્ધિ કે જેનું લક્ષ એક માત્ર પરમાત્મા છે તેમને અચળ બુદ્ધિ એટલે કે સ્થીર બુદ્ધિના કહ્યાં છે. સાંસારીક બુદ્ધિ વાળાની બુદ્ધિ ચંચળ હોય છે કારણકે તેમના લક્ષ જુદા જુદા અને અનેક પ્રકારના હોય છે.

જેઓ સાધના કરતાં કરતાં એક માત્ર પરમાત્માને જ લક્ષ બનાવીને ચાલે છે તેવા સાધકો અને જેમણે સાધના દ્વારા પરમાત્મા સાથે એકત્વ સિદ્ધ કરી લીધું છે તેવા સિદ્ધ બંન્ને સ્થીર બુદ્ધિના હોય છે. અલબત્ત સાધક અવસ્થામાં હજુએ સાધનાથી ચ્યૂત થવાની સંભાવના હોવાથી સાધકને સાવધાનીની અત્યંત આવશ્યકતા હોય છે. જેઓ સમાધિ પામ્યાં છે અને પરમાત્મા રુપી અમૃત રસ ચાખી ચૂક્યાં છે તેમનું પતન થવાનો કોઈ ભય નથી. આવા સિદ્ધ ની પ્રજ્ઞા સ્થીર હોય છે. અહીં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો બતવ્યા છે તે સિદ્ધને માટે સહજ હોય છે અને સાધકોને આવા લક્ષણો ધીરે ધીરે લાવવાના છે. જો કે જ્યાં સુધી સમાધિ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે સ્થિત પ્રજ્ઞ યે થઈ શકાતું નથી તેથી સાધકનો મુખ્ય પ્રયાસ તો સમાધિ પામવાનો અને યોગનો જ હોવો જોઈએ અને સ્થિત પ્રજ્ઞતા તો પરીણામે રુપે આપો આપ તેનામાં આવી જાય છે. સાધક અવસ્થામાં મર્ગદર્શનની યે આવશ્યકતા હોય છે. જે સિદ્ધ થયાં હોય તે જ માત્ર સાચું માર્ગદર્શન આપી શકે.

સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન નરેન્દ્ર હતા ત્યારે તે અનેક સિદ્ધ જેવા લોકોને મળતાં અને તેમને પુછતાં કે તમે ઈશ્વર દર્શન કર્યાં છે? જુદા જુદા લોકો તેને જુદો જુદો જવાબ આપતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતાજી દેવેન્દ્રનાથ ટાગોર સાધના કરવા માટે નદીની વચ્ચે એક હોડકામાં રહેતાં. એક વખત તેમને જઈને નરેન્દ્રએ પુછ્યું કે તમે શું ઈશ્વર દર્શન કર્યાં છે? દેવેન્દ્રનાથ કહે કે બેટા તારી આંખો તો કોઈ યોગી જેવી જણાય છે. આવી વાતોથી નરેન્દ્રને સંતોષ ન થયો. એક વખત તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસ: ને પુછયું કે મહાશય શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? ઠાકુરે તેની સામે આંખમાં આંખ પરોવીને કહ્યું હા – મેં ઈશ્વરના દર્શન કર્યા છે. તારી સાથે વાત ચીત કરું છું તે જ રીતે તેમની સાથે ય વાત ચીત કરી શકું છું. તું ઈચ્છે તો તને ય ઈશ્વર દર્શન કરાવી શકું. આવી આત્મવિશ્વાસથી સભર વાત સાંભળીને નરેન્દ્ર ઠાકુર તરફ આકર્ષાયા હતાં. ત્યાર બાદ જુદા જુદા સમયે તેમણે ઠાકુરની ઘણી કસોટી કરી હતી અને તે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતાં.

અત્યારે લોકો કશીએ કસોટી વગર ગુરુ શિષ્ય બની જતાં હોય છે અને પછી ગુરુયે ઈશ્વરને ન ઓળખ્યા હોય તો શિષ્યને તે કેવી રીતે સાચું માર્ગદર્શન આપી શકે? શ્રીમદ ભગવદ ગીતા લક્ષણોને આધારે વ્યક્તિને ઓળખવાની તરકીબ આપે છે. જે સ્થિત પ્રજ્ઞ હોય તે અન્યને સ્થિત પ્રજ્ઞ બનવા માટે માર્ગદર્શન આપી શકે કોઈ બીજા કેવી રીતે આપી શકે? અહીં સ્થિત પ્રજ્ઞને ઓળખવા માટેના જુદા જુદા લક્ષણો સમજાવ્યાં છે. આવા લક્ષણો જેનામાં હોય તેમને પુછવાથી સ્થિત પ્રજ્ઞ કેમ થવાય તેનું જ્ઞાન મળી શકે.

મનમાં ઉઠતી સર્વ કામનાઓને જે છોડી દે છે અને આત્માથી આત્માં માં જ એટલે કે સ્વરુપમાં જ જે સારી રીતે તુષ્ટ સંતુષ્ટ છે તે સ્થિત પ્રજ્ઞ છે.

અહીં બુદ્ધિ અને મન વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સઘળી કામનાઓ મનમાં ઉઠે છે ત્યાર બાદ તે કામનાની પૂર્તી કરવી કે નહીં તેનો નિર્ણય બુદ્ધિએ લેવાનો હોય છે. સિદ્ધના યે મનમાં કામના નહીં ઉઠે તેવું તો નથી પણ સિદ્ધ હશે તેની બુદ્ધિ કામના પૂર્તી માટે મંજુરી નહીં આપે. સંસારી લોકો ના મનમાં યે અનેક કામના ઉઠે છે પણ તેમની બુદ્ધિ તે તે કામનાની પૂર્તી માટે મંજુરી આપીને તે પ્રમાણેના કર્મોમાં પ્રવૃત્ત થાય છે જ્યારે જે સિદ્ધ છે તે માત્ર કર્તવ્ય કર્મો જ કરે છે અને તે કરતી વખતે ય આત્માનંદમાં જ તરબોળ રહે છે.

આ બધાં લક્ષણો થી આપણે આપણી યે કસોટી કરી શકીએ કે આપણે મનમાં ઉઠતી અનેક કામનાઓને વશ થઈએ છીએ કે આત્માનંદે સંતુષ્ટ રહીએ છીએ? તેવો પ્રશ્ન જાતને પુછીને જો માર્ક ઓછાં આવતાં હોય તો મનને કાબુમાં રાખવા માટે વધારે સાધના રત થવા પુરુષાર્થ કરી શકીએ.


જાતજાતના
અનેક શાસ્ત્રો સુણ્યે
ચંચળ બુદ્ધિ

પરમ તત્વ
પરમાત્માના યોગે
અચલ બુદ્ધિ

બહુ સાંભળવાથી થઈ ચંચળ બુદ્ધિ તે,
અચલ સમાધિ મહીં થશે, ત્યારે યોગ થશે.

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥

भावार्थ : भाँति-भाँति के वचनों को सुनने से विचलित हुई तेरी बुद्धि जब परमात्मा में अचल और स्थिर ठहर जाएगी, तब तू योग को प्राप्त हो जाएगा अर्थात तेरा परमात्मा से नित्य संयोग हो जाएगा ॥53॥

સાધક વિષયોના મોહ રુપી કળણને પાર કરી ગયાં પછી તેની સાંસારીક બુદ્ધિ શુદ્ધ થાય છે એટલે કે અંત:કરણનો મળ રુપી દોષ દૂર થાય છે. તેમ છતાં અનેક પ્રકારના શાસ્ત્રો અને દર્શનો છે. અનેક પ્રકારની સાધના છે. બધા શાસ્ત્રો અને દર્શનો ગર્જી ગર્જીને શંખ ફુંક્યા કરે છે કે અમારો મત શ્રેષ્ઠ છે અને અમારો પંથ અને સંપ્રદાય જ ઉત્તમ છે. અમારી પાસે આવો અને સ્વર્ગનો પરવાનો લઈ જાઓ. દરેક ગુરુઓ અને ધર્મ, સંપ્રદાયના વડાઓ પોત પોતાના મત મતાંતરો જ સારા છે અને બીજા માર્ગે તમારું પતન થશે આવી જાત જાતની વાતો વહાવ્યા કરતાં હોય છે. શ્રેયની ઈચ્છાવાળો સાધક આ બધાની તથા શાસ્ત્રો અને દર્શનોની વાતો સાંભળીને ગુંચવાઈ જાય છે. સંસારની આસક્તિ નથી તો પછી શાસ્ત્ર , સંપ્રદાયો અને ધર્મોના વાડાઓના બંધનમાં જઈ પડે છે. આ બધી જગ્યાંએ જવાથી તેને યોગ કે સમાધિ પ્રાપ્ત નથી થતાં ઉલટાનું જે તે સંપ્રદાય જ શ્રેષ્ઠ છે અને તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરીને જે તે વાડાના ઘેંટામાં વધારો કરવો તે જ કલ્યાણ રુપ છે તેવું તેવું તેના મજગમાં ઠોકી બેસારવામાં આવે છે. આવો ભોળા ભાવનો સાધક પોતે તો કશું જાણતો ન હોય એટલે આવા ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વાડાઓમાં જઈને બંધાઈ જાય છે. ત્યાં પણ તેને કશું શ્રેયસ્કર તો મળતું નથી એટલે ઉલટાનો વ્યગ્રચિત્ત અને ચંચળ બની જાય છે.

કોઈ પણ શાસ્ત્ર, સંપ્રદાય કે ધર્મ હોય તેમાં મુખ્ય ત્રણ બાબતો હોય.

૧. સંસારની આસક્તિનો ત્યાગ કરવા યોગ્ય છે.

૨. આપણે સહુ જીવ છીએ.

૩. જીવ અને જગતન અધિષ્ઠાતા તેવા જગદીશ્વરને પ્રાપ્ત કરવા કે જાણવા યોગ્ય છે.

જીવ, જગત, જગદીશ્વર આ બધાની દરેક સંપ્રદાયો, દર્શનો અને દાર્શનીકો અલગ અલગ વ્યાખ્યા કરે છે પણ ઉપરની બાબતોમાં તો સહુ કોઈ એક મત જ છે.

સંસારનો ત્યાગ ન થઈ શકે. સંસારની આસક્તિનો ત્યાગ થઈ શકે. રણમાં મૃગજળ દેખાતું હોય તો મૃગજળનો નાશ ન થઈ શકે પણ મૃગજળમાં જળ મળશે તેવી વિપરિત સમજણનો ત્યાગ થઈ શકે. તેવી રીતે સંસારનો ત્યાગ ન થાય પણ સંસારમાંથી સ્થાઈ અને નીરંતર સુખ મળશે તેવી ગેરસમજણનો ત્યાગ થઈ શકે.

અંત:કરણ માં પડતાં ચૈતન્યના પ્રતિબિંબથી પ્રતિબિંબિત થઈને શરીરની અંદર જે ચૈતન્ય હું પણું કરી લે છે તેને જીવ ભાવ કહેવાય છે. વાસ્તવમાં ચૈતન્યનો અંત:કરણ સાથે કદીયે સંયોગ થઈ શકે નહીં. અંત:કરણ ચૈતન્યની સત્તા થી સત્તાવાન બનીને તેટલા ચૈતન્ય પર કબજો જમાવી લે છે અને તે ચૈતન્ય અંત:કરણની ઉપાધીને પોતાની ઉપાધી માનીને શરીરમાં હું પણું કરી લે છે તેને લીધે તે આ સંસારરુપી અરણ્યમાં વન્ય પશુ ની પેઠે ભટક્યાં કરે છે.

આ જીવ ભાવનો ત્યાગ કરીને ચૈતન્ય જ્યારે બ્રહ્મરુપી મહાચૈતન્ય સાથે એકરુપતા સાધી લે છે ત્યારે સમાધિ અથવા તો યોગ થાય છે. તે વખતે જીવને પોતાનું ચૈતન્યરુપ યથાર્થ સ્વરુપ અનુભવાતા બુદ્ધિમાં રહેલી સર્વ ચંચળતાઓ દૂર થાય છે. અંત:કરણનો વિક્ષેપ નામનો દોષ દૂર થાય છે.

શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આવી સમાધિ પ્રાપ્ત થશે ત્યારે જાત જાતની વાતો સાંભળવાથી બુદ્ધિની અંદર જે ચંચળતા આવી છે તે દૂર થશે અને બુદ્ધિ અચળ થશે. આવી બુદ્ધિ ધરાવતી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.

સ્થિતપ્રજ્ઞના લક્ષણો કેવા હોય અને સ્થિતપ્રજ્ઞને કેવી રીતે ઓળખવા તે વિશે અર્જુન શ્રી ભગવાનને પુછે છે :

સ્થિર બુદ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે,
કેમ રહે તે ને વદે, ઓળખાય શે તે ?

આ પ્રશ્નનો જવાબ શ્રી કૃષ્ણ હવે પછીના શ્લોકોમાં આપશે.