ગાડા ભરીને માર્કસ આવ્યા તો યે
આંખો માં આટલી બધી હતાશા?
‘કોંગ્રેચ્યુલેસન’ કહી ને હાથ લંબાવ્યો તો
સામો હાથ પડી ગયો ઢગલો થઈ ને!

દીકરો પાસ થયો,
ઘરમાં ઉત્સવ ના તોરણો ક્યાં ?
વહેલી સવાર થી લાઇન માં ઊભા ફોર્મ માટે
” ગુજરાતી મીડિયમ ! – નો ચાન્સ
ફોર્મ ને હાથ પણ નહીં લગાડે”

એક કોલેજ થી બીજી કોલેજ, એક “ના” થી બીજી “ના”
આજે નહીં આવતી કાલે કદાચ બીજા લિસ્ટ માં
કદાચ ……કદાચ …..કદાચ ..!

શંકા કુશંકા થી વેરન છેરણ માસૂમ રાત
સોળ વરસ નો નાનકડો ખભો , આટલો મોટો ક્રોસ !?
ઘરે ઘરે જોળી લઈ ને ફર્યો, થાક્યો, ઉઘાડો થયો,
માન અપમાન ના પ્યાલા નેવે મૂક્યા

દીકરા ની લાચાર આંખો ઢંઢોલે છે મને:
પપ્પા, તમારી કોઈ ઓળખાણ નથી?
મારે માટે , મારા શિક્ષણ માટે .. થોડાક પૈસા ..
મારી મૂઠી ની લાચારી ઉઘાડી પાડું?
કદાચ એ પૂછી બેસસે તો?
આખી જિંદગી તમે શેનો વેપાર કર્યો, પપ્પા?


પરીણામ આવ્યા પછી ખરેખર વાલીઓની આવી હાલત નથી થતી? આપણી બદલાતી જતી શિક્ષણ પધ્ધતિમાં ક્ષમતાવાન વિદ્યાર્થીઓ પરંતુ આર્થિક રીતે નબળા હોય તેમને સ્થાન મેળવવું એટલે કેટલું મુશ્કેલ કાર્ય છે તે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જ જાણે છે. શું તેવી શિક્ષણ સંસ્થાઓ થશે કે જે ગુજરાતના (આગળ જતા ભારતના) પ્રત્યેક બાળકને ક્ષમતા અનુસાર વ્યાજબી ફી લઈને અથવા તો મફત ઉચ્ચ શિક્ષણ પુરુ પાડી શકે. ગુજરાતને ખરેખર આગળ લાવવું હોય તો જરૂર છે તેવી શૈક્ષણિક સંસ્થાઓની કે જે વિદ્યાર્થીઓને ભણતર માટે સર્વ સહાય કરે અને ત્યાર બાદ તેમને માટે વ્યવસાયની વ્યવસ્થા કરે અને તે વ્યવસાયમાંથી હપ્તે હપ્તે તેના ભણતર માટે થયેલો ખર્ચ વસુલીને રોકાણ કરેલા નાંણાં પરત મેળવી લે અને સાથે સાથે વિદ્યાર્થીને એક જવાબદાર નાગરીકમાં તબદીલ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બનાવે.


Advertisements