દોસ્તો,

ગઈકાલે આપણે કવિ શ્રી રમેશ પારેખનું આ મન પાંચમના મેળે કાવ્ય વાંચ્યુ. આજે માણીએ દાદાનું પ્રતિકાવ્ય નેટ જગતના આકાશે –


આ નેટ જગતના આકાશે, સો વાદળ ઉમટી આવ્યાં છે.
કોઈ હલકી ફુલકી વાદળી, તો કોઈ શ્યામ ઘટા ઘનઘોર મહા.

કોઈ સોનેરી સપનું લાવ્યા, કોઈ સાત આઠ રંગો લાવ્યા
કોઈ લાલ ગુલાબી ઝાંય ભરી, કેસરીયા વસ્ત્ર સજી બેઠા.

કોઈ જોડકણાં જોડી લાવ્યાં, કોઈ ગદ્યકાવ્ય લઈ આવ્યા
કોઈ લઈ આવ્યા છંદો છોડી, પંખીઓ મુક્ત ગગન કેરાં.

કોઈ મહાકવીની કાવ્યછટા, કોઈ નર્મભરી રંગત લાવ્યા,
કોઈ ગઝલોની મહેફીલ લાવ્યા, કોઈ સોનેટનું શમણું લાવ્યા.

કોઈ ‘ કવીતાનો ક‘ લઈ આવ્યા, કોઈ કક્કાની કવીતા લાવ્યા,
કોઈ ‘તુલસીદલ’માં ગુણવંતા, ભજનોના ભાવ ભરી લાવ્યા.

કોઈ ગીત મધુરાં લાવ્યાં છે, સંગીતના મસ્ત સુરો સાથે
કોઈ પાઠ કરે હળવા સાદે, ગઝલો, ગીતોના ભાવભર્યા.

કોઈ હળવી જોક લઈ આવ્યા, કોઈ વીવેચનો ગંભીર લાવ્યા
કોઈ ઘરઘરની કથની લાવ્યા, કોઈ લાંબી નવલો લઈ આવ્યા.

કોઈ કથા અનુભવની કહેતા, કોઈ મીત્રોની વાણી વદતા
કોઈ અલ્પ જ્ઞાનને અતીક્રમી, દીલના ભાવો છલકી ચાલ્યા.

કોઈ બાળસુલભ રચના લાવ્યા, કોઈ મર્મીલાં કાર્ટુન લાવ્યા,
કોઈ હોબીના ગમતીલા તારક, વીણી વીણીને લઈ આવ્યા.

કોઈ ભાષા શીખવે ખંત ભરી, નીયમો પીંગળના,ગઝલોના
કોઈ ગાંધી કેરાં દર્શનથી, મહેંકાવે ધુપસળી જગમાં.

કોઈ ખુણો ખાંચરો ગોતીને, ચટકીલી રસોઈ લઈ આવ્યા
કોઈ પ્રશ્નો વીસ પચીસ લાવ્યા, કોઈ ઉત્તર ગોતીને લાવ્યા.

કોઈ ‘કેસુડાં’, ‘રીડ-ગુજરાતી’, ‘આક્રોશ’, ‘ઓટલો’ લઈ આવ્યા
કોઈ ‘વાતચીત’, કોઈ અંતકડી, ‘સર્જન સહીયારું’ લઈ આવ્યા.

કોઈ પ્રતીભાવ- આતુરતામાં, નીજ પતરાળું પીરસી બેઠા
કોઈ અકળાઈ આક્ષેપોથી, નીજ દ્વારો બંધ કરી બેઠા.

કોઈ લઈ આવ્યા સુવીચાર સદા, ઉપદેશોયે વળી સંતોનાં
કોઈ ધર્મ-જ્ઞાનનાં થોથાંઓ , કોઈ નાસ્તીકની વાણી લાવ્યા.

કોઈ લઈ આવ્યા પરીચય સો સો, લાખેણી કો’ પ્રતીભા કેરા.
કોઈ પાનાં ખોલી બેઠા છે, ઈતીહાસ અને વીજ્ઞાન તણાં.

તુંય ‘સુજાણ’ લઈ આવ્યો, અવનવી વાનગી થાળ ભરી,
જીવનનું સત્વ પ્રસારીને, પીરસ્યાં વ્હાલાં સર્જન નવલાં.


આ કાવ્યની રચના વિશે તથા તેના પરના પ્રતિભાવો વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

કાવ્યસૂર


Advertisements