દોસ્તો,

પાંચમાં ક્રમે અમે ઓઝરમાં વિઘ્નેશ્વર ગણપતિના દર્શન કરેલાં. વિઘ્નેશ્વર ગણપતિ અને ઓઝર અમને હંમેશા યાદ રહેશે. દર્શન કર્યા બાદ ભોજન મેં અને અતુલે થોડું વહેલા પતાવી લીધેલું તેથી થયું કે ઓઝરમાં નદી કીનારે લટાર મારવા જઈએ. રાત થઈ ગઈ હતી. એક આંખે અતુલને દેખાય નહીં અને બંને આંખનું બેલેન્સીંગ ન થવાથી રાત્રે તો ખૂબ મુશ્કેલી પડે. હંમેશા રાત્રે તો મારે તેનો હાથ પકડીને ચાલવું પડે. નદી કિનારે ગયા તો અતુલને લઘુશંકા માટે જવાની જરૂર ઉભી થઈ. તેથી એક ખૂણામાં એક ઓરડા જેવું હતું તેની પાસે તે લઘુશંકા માટે ગયાં. હું તેનું ધ્યાન રાખતી થોડે દૂર ઉભી હતી. એકા એક તેનો વિચાર બદલાયો અને તે મકાનની પાછળ થોડા દૂર ગયાં. હું ભુલી ગઈ કે તેમને બરાબર દેખાતું નથી. થોડી વારે તેનો મને સાદ કરતો અવાજ સંભળાયો. હું હાંફળી ફાંફળી તેની પાસે પહોંચી તો તે એક પાંચેક ફુટ ઉંડા ખાડાની બહાર એક હાથ બીજા હાથે પકડીને પીડાથી કણસતા હતા. અંધારામાં તેમને ખાડો દેખાયો નહીં અને પટકાયા ખાડામાં તાત્કાલિક સારવાર માટે લઈ ગયાં. હાડવૈદ્ય તો ઓઝર ગામમાં મળે તેમ ન હતાં પણ એક નર્સીગ હોમ હતું તેમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તેમને તપાસીને પેઈન રીલીફ ઈંજેક્શન આપ્યું. અડધા તુટી ગયેલા પગના નખને ડ્રેસીંગ કરી આપ્યું. પીડા શામક ગોળીઓ લખી આપી. અતુલનો ડાબો હાથ બીલકુલ ઉંચકાતો નહોતો અને જમણો પગ મચકોડાઈ ગયો હતો. ઉદ્વિગ્ન મને અમે ઉતારે પહોંચ્યા. આજે લગભગ ત્રણ મહીને ય હજુ હાથ પગમાં થોડું કળતર રહે છે. કદાચ ઉંમરના વધવા સાથે હાડકા બરડ થઈ જતા હશે અથવા તો તેની જેવા આળસુ માણસના હાડકા કદાચ મોડા સારા થતા હશે.

આજે શિક્ષક દિન છે. ચાણક્ય કહેતા શિક્ષક કભી દીન નહીં હોતા. જો કે આજે ઘણી જગ્યાએ દીન હીન અને ભ્રષ્ટ શિક્ષક જોવું છું ત્યારે હું દીનતા અનુભવું છું.

આજે આપણાં નેટ વેપારી મુર્તઝાચાર્યએ બ્લોગ જગતમાં સફળતા પૂર્વક એક વર્ષ જીવન ગુજાર્યું તે બદલ તેમને ખૂબ ખૂબ અભીનંદન. તેમના ચેલા કનકવાજીનો પતંગ ગઈકાલે ઢબી રહ્યો હતો તેથી તેમને તાત્કાલીક વોક હાર્ડ હોસ્પીટલમાં દાખલ કરેલા. ડોક્ટરોના અવીરત ઠુમકાઓની મદદથી આજે હવે કનકવો જમીનથી થોડો અદ્ધર ઉંચકાઈને ચગુ ચગુ થવાની તૈયારીમાં છે.

તો આજે શ્રી વિઘ્નેશ્વર ગણપતિજીના દર્શન કરીને તેમને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા જીવનમાં કદાચ વિઘ્નો આવે તો ભલે આવે પણ અમને તે સહન કરવાની શક્તિ આપજો.


વિઘ્નેશ્વર ગણપતિ (ઓઝર)

વિઘ્નેશ્વર ગણપતિ (ઓઝર)

Advertisements