દોસ્તો,

ઈશ્વરના ઘરે તો કાઈ ખોટ નથી પણ જીવ જ અધુરીયો છે. ઈશ્વર મન મુકીને, મુશળધારે, હજાર હાથે આપે છે પણ જીવને સંતૃપ્તિ થતી નથી. વળી જે કોઈ પ્રાર્થે – આરાધે તે સહુનો અને ન પ્રાર્થે ન આરાધે તે સહુનો યે ઈશ્વર તો હોય છે. વરસાદ કાઈ એમ નથી કહેતો કે હું કોઈને નહીં ભીંજવું – નહાવા નીકળવું કે ન નીકળવું તે તો સહુની મરજીની વાત છે. ટુંકમાં ભગવાનના ઘરે કાઈ દેર પણ નથી અને અંધેર પણ નથી – જે કાઈ તકલીફો છે તે જીવની પોતાની છે. આજે માણીએ જીવની અતૃપ્તિ અને ઈશ્વરની અવિરત કૃપાનું વર્ણન કરતી એક ભક્તિસભર રચના.


તમે મન મૂકીને વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
તમે મૂશળધારે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં

હજાર હાથે તમે દીધું પણ
ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો
તો પણ અમે અજ્ઞાની
તમે અમૃતરૂપે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
— તમે મન મૂકીને

સ્નેહની ગંગા તમે વહાવી,
જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતી તમે જલાવી
આતમ ઉજ્જ્વળ કરવા
તમે સૂરજ થઈને ચમક્યાં
અમે જનમ જનમ્નાં તરસ્યાં
— તમે મન મૂકીને

શબ્દે શબ્દે શાતા આપે,
એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને
અમે કદી ના પિછાણી
તમે મહેરામણ થઈ ઊમટ્યાં,
અમે કાંઠે આવી અટક્યાં
— તમે મન મૂકીને


સૌજન્ય: મેઘધનુષ


આ રચના અમારા વડીલ મિત્ર શ્રી અશ્વિનભાઈ ઠક્કરને ખુબ ગમે છે અને જ્યારે રાણાવાવ આશ્રમે ભેગા થવાનું થાય ત્યારે એક વખત તો અચૂક ભાવ-વિભોર થઈને ગાય.


Advertisements