પ્રાણપ્રિય અતુલજી,

આપની અરજી મળી. આપ તે વાત થી સુ-માહિતગાર છો જ કે આપની અરજી આજથી પંદર વર્ષ પહેલાં સ્વીકારી લેવામાં આવી હતી અને બરાબર ૨૧ જુલાઈ ૧૯૯૬ ના રોજ આપણે વિવાહ સંબધથી જોડાયેલા. મને યાદ છે – તમને યાદ છે સખા?

આપ શ્રી કેરીની ડીઝાઈન વાળો શર્ટ પહેરીને પધારેલાં અને હું લાલ+પીળો=કેસરી રંગની ચુંદડી ઓઢીને આપની પ્રતિક્ષામાં બેઠેલી. સહુ વડીલોએ ગોળ-ધાણાં ખાધેલા – મને યાદ છે – તમને યાદ છે સખા?

આપણા બંનેના હાથમાં એક એક શ્રીફળ મુકીને તેની પર કંકુ અને ચોખા ચોડવામાં આવેલાં. વડીલોએ આપણને આશિર્વાદ આપેલા. મને યાદ છે – તમને યાદ છે સખા?

તેવે સમયે શ્રીકાર વર્ષા થયેલી – અનરાધાર વરસાદમાં આપણાં સહુના હ્રદય અને મન ભીંજાયેલા. મને યાદ છે – તમને યાદ છે સખા?

હું વેલણ લઈને આપની પાછળ દોડીશ તેવો વિચાર પણ તમને કેવી રીતે આવ્યો? તમે પંદર વર્ષોમાં મને કદી ઉંચા સાદે વઢ્યા પણ નથી અને દરેક વાત પ્રેમથી સમજાવી છે તેવે વખતે હું આવું કૃત્ય કરીશ તેવો વિચાર પણ એક જાતનો પ્રહાર નથી? અરે આ પંદર વર્ષની એક એક ઘટના, એક એક સ્મૃતિ મને યાદ છે – તમને યાદ છે સખા?


શું આપણા મળવાની વાતો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી વાગ્યો’તો કાંટો, યાદ છે સખા? મને યાદ છે સખા.

છાનું રહ્યું ન વ્હાલ કેવું વિસ્તરી ગયું,
નસનસનું નૂર થઈને મને એ વરી ગયું,
ઘટઘટમાં હતો સૂર સમાયો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

કેવું મજાનું આપણું શ્યામલ હતું મળવું !
મળવું ફરી ફરી ને ફરીથી જુદા થવું,
મળવા ને ઝૂરવાની રાતો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

યમુનાના મધુર જળ હવે ખારા થઈ ગયા,
મઝધાર પણ કિનારે ઝૂરતા થઈ ગયા,
કેવો હતો દુર્લભ એ કાંઠો, યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

કોની મજાલ કે ઉભયને કોઈ અલગ કરે !
તેં પણ કહ્યું હતું: છે સ્નેહ બ્રહ્મથી પરે !
ને ભાગ્યનો નિર્દય એ પાસો… યાદ છે સખા? તને યાદ છે સખા?
એક મખમલી…

તને યાદ છે સખા? મને યાદ છે સખા.
તને યાદ છે સખા? મને યાદ છે સખા.

હા, આપણા મળવાની વાતો યાદ છે સખી, મને યાદ છે સખી.
મળવા ને ઝૂરવાનો નાતો યાદ છે સખી, મને યાદ છે સખી.

તો શું થયું બંધાયા નહીં કોઈ તાંતણે ?
હૈયા થયા ક્યાં આપણા જુદા કોઈ ક્ષણે ?
અકબંધ ભવોભવનો નાતો યાદ છે સખી? તને યાદ છે સખી?
એક મખમલી વાગ્યો’તો કાંટો, યાદ છે સખી… મને યાદ છે સખી !

યાદ છે, સખી… મને યાદ છે, સખી…
યાદ છે, સખી… મને યાદ છે, સખી…


કાવ્યના શબ્દો માટે સૌજન્ય: ઊર્મિનો સાગર