પેન પકડું થાય બસ બચપણ લખું,
શોધું સંબોધન પછી સગપણ લખું.

નામ લેતા સામટી આવે શરમ,
હાથ ધ્રુજી જાય એ ઘડપણ લખું.

હું વિલાઈને ભલે ખારી બનું,
એક નદીનું સાગરે વળગણ લખું.

કેટલી યાદોના સિક્કા સંઘરું?
જાણ તમને થાય જો ખણખણ લખું.

આખરે લિખિતંગ તો બાકી રહ્યું,
ત્યાં તમારી આંખનું દર્પણ લખું.