દોસ્તો,

આમ તો દરેક દિવસ એક નવી આશા,ઉત્સાહ,તક,આનંદ લઈને આવે છે પણ ગઈકાલનો દિવસ થોડો ખાસ રહ્યો. આ દિવસે તરવરાટીયા યુવા કવિ શ્રી અંકિત ત્રીવેદી અને પીઢ કવિ શ્રી વિનોદ જોશી દ્વારા ઉત્સાહી,આગવા રોટેરીયન,સેવાવ્રતધારી શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ પ્રીન્સીપાલ શ્રી હિમલ પંડ્યા ’પાર્થ’ ના ગુજરાતી ગઝલ સંગ્રહનું વિમોચન થયું.

આ સંગ્રહમાં કુલ આઠ ગઝલને ખુબ જ ભાવવાહિ સ્વરમાં અંકિત કરવામાં આવી છે. આ ગઝલ સંગ્રહના વેચાણથી પ્રાપ્ત થયેલ બધી જ રકમ પોલીયો નાબુદી માટે ઉપયોગમાં લેવામાં આવશે. અહિં એક ગઝલ સંભળાવવાની ઈચ્છા રોકી નથી શકાતી – પણ સંપૂર્ણ ગઝલ સંગ્રહ ખરીદીને જ સાંભળવાની આગ્રહભરી અપીલ છે – કારણ કે આ ગઝલ સંગ્રહ ખરીદતી વખતે આપને બે લાભ થાય છે.

૧. સુંદર ગઝલ સંગ્રહ વસાવવા અને સાંભળવા મળે છે.
૨. પોલીયો જેવા રોગની નાબુદી માટે સહયોગ આપવાનો મોકો મળે છે.
https://madhuvan1205.files.wordpress.com/2011/07/ekaj-tipama.jpg


એક જ ટીપાંમાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ એટલું અંતર;

જેવો હું તેવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બહાર, બધું સરખું છે ભીતર;

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું;
ચાલો ! અહીંયા અટકી જઈએ, નાખો લંગર.


બોલો તો આ ગઝલ સંગ્રહ ખરીદીને જ સાંભળશોને?


અને હા, આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, હો..


Advertisements