દોસ્તો,

આજે શ્રી રવિ ઉપાધ્યાયનું આ ’જરા હટકે’ કાવ્ય માણી લઈએ. જરાક કેમીકલ સ્ત્રવી જાય તો પોતાને સર્વોપરી માનવા લાગતો આ મગતરાં જેવો માનવ કેવા કેવા ફાંફા મારે છે તે તેમણે ચોટદાર રીતે વ્યક્ત કર્યું છે.


મિથ્યાવાદી મોહજાળમાં માનવ ફાંફા મારે!
આ માનવ ફાંફા મારે!
હોય ભલે વેરણ રણભૂમિ, તોયે મૃગજળ ભાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 1

કોઇ રડે કોઇને ગુમાવી, કોઇ હસે કંઇ પામી,
ફરતી આ ઘટમાળ કાળની, કોઇ નહીં અહીં સ્થાયી !
વેરઝેરના અગ્નિતાંડવે, એક જીતે એક હારે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 2

રાય-રંકને ઊંચ-નીચના ભેદભાવ જનમાવ્યા !
માનવીએ માનવતાં કેરાં કુસુમ કુમળાં કરમાવ્યાં !
કપટ અને લંપટનો અગ્નિ લાખો હૈયાં બાળે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 3

આવ્યો ત્યારે લાવ્યો કૈં ના, જાવું ખાલી હાથે;
નિશ્ચે કાળમુખે ભરખાવું, કોઇ ન આવે સાથે !
(આ) સત્ય સહું સમજે છે, તો યે વૃથા જીન્દગી ગાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 4

રહી જશે….. આશા ને મમતાના સહુ ખેલ અધુરા !
લોભ, લાલસા થકી થશે ના, જીવનગીત મધુરાં !
તોયે મથે સંગીત સર્જાવા, વ્યર્થ તૂટેલા તારે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 5


સૌજન્ય: રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો


Advertisements