કવિતા શું લખે જેને વ્યથા નથી મળતી,
સુખી જે હોય છે એને કલા નથી મળતી.

અપૂર્ણ મોતથી રહી જાય છે જીવન-કથની,
જગતમાં પૂર્ણ કોઈ પણ કથા નથી મળતી.

મળે છે એની દયાથી ગુનાહની માફી,
પરંતુ જે ગઈ નિર્દોષતા નથી મળતી.

હું શોધમાં જ રહ્યો કોઈ ના મળી મંજિલ,
હવે તો મારી અસલ પણ જગા નથી મળતી.

બતાવ મુજ સમો દર્દી તો સાંત્વન મળશે,
જો મારા દર્દની તુજને દવા નથી મળતી.

હું પાપનેય ગણું પુન્ય, તો છે શો વાંધો?
કે પાપમાંય હવે તો મજા નથી મળતી.

સુખી છું માનવાને ’નઝ્ર’ લાખ ચાહું છું,
પરંતુ એવી મને કલ્પના નથી મળતી.

Advertisements