તા. ૭,૮ અને ૧૦ એપ્રિલ ૨૦૧૧ દરમ્યાન ભાવનગરના જવાહર મેદાનમાં ઘોડા પર બેસીને રમાતી રમત ’પોલો’ રમવામાં આવી હતી. આ રમતમાં પ્રથમ ક્રમ લીલા રોયલ્સની ટુકડીએ અને દ્વિતિય ક્રમ સ્ટીલકાસ્ટની ટુકડીએ પ્રાપ્ત કર્યો હતો. કુલ ૬ ટુકડીએ ભાગ લીધેલો. સમાપન સમારોહમાં ભાવનગરના જાણીતા ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહિલે પોતાના કંઠ અને અદાઓથી સહુના મન મોહી લીધા હતાં.

આ રમત બાળકોને સાહસિક અને ખડતલ બનવા માટે પ્રેરણા આપે તેવી છે. ઘોડાને કાબુમાં રાખીને પછી દડા પર કાબુ કરીને લક્ષ્ય સિદ્ધ કરવું તે ઘણાં પ્રકારની કુનેહ ધરાવતાં હોય તે જ કરી શકે છે. તે માટે શરીર, મન, બુદ્ધિ બધુંયે સાબુત જોઈએ અને સાથે સાથે સહુથી મહત્વની સંઘભાવના જોઈએ.

આયોજકોની દર્શકો માટેની વ્યવસ્થાની ખામી ઉડીને આંખે વળગે તેવી હતી. બાળકોને આ રમત જોવાની ખૂબ ઉત્કંઠા હતી. પ્રેક્ષકો માટેની અવ્યવહારુ વ્યવસ્થાથી ભાગ્યે જ કોઈ બાળક આ રમત નીહાળી શક્યું હશે. બધાં જ બાળકોના ચહેરા પર નીરાશા જણાતી હતી. હવે પછી જ્યારે પણ આવા જાહેર કાર્યક્રમો યોજવામાં આવે ત્યારે દર્શકો માટેની યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવશે તો આવા કાર્યક્રમોને ચાર ચાંદ લાગી જશે.