ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 30, 2011

પરિવર્તન સંસારનો નિયમ છે. અતુલ તેની જીવનશૈલિમાં જે રીતે સુખદ પરિવર્તન લાવી રહ્યાં છે તે જોઈને હું સાનંદાશ્ચર્ય અનુભવું છું. સવારમાં નરણે કોઠે આંબળા અને હળદરનું ચૂર્ણ લઈને – ગોમૂત્ર અર્કનું પાન કરીને તે પાછળ “દાદાની વાડી” માં ચાલ્યા જાય છે. સહુ પ્રથમ સન ગેઝીંગ એક્સરસાઈઝ કરીને તે પાંચ મીનીટ ખુલ્લા પગે ઘાસ પર ચાલે છે. ત્યાર બાદ ચપ્પલ પહેરીને (નાનપણથી જ ચપ્પલનો અભ્યાસ હોવાથી બુટ તેને નથી ફાવતાં) ચાલવાનું શરું કરી દે. દાદાની વાડીમાં તો જાત જાતના પક્ષીઓ સવારથી કલશોર શરુ કરી દે છે. કોયલ, ચકલી, કાગડો, દેવચકલી, બુલબુલ, કાબર, હોલો, કબુતર, કાગડકુંભાર એમ જાત જાતના અને ભાતભાતના પક્ષીઓ પોતાના કલબલાટથી વાતાવરણને ભર્યું ભર્યું બનાવી દે છે. ચાલવાનું પુરુ કરીને પછી છોડવાને પાણી પાવાનુ કાર્ય શરુ થાય. સરસ ફુલ ઉગેલા જુએ એટલે ખીસ્સાવગા મોબાઈલથી તરત જ છબી કંડારી લે. ત્યાર બાદ પ્રાણાયામ અને છેલ્લે વિશ્વશાંતિ માટે પ્રાર્થના. પપ્પાએ વાવેલા અનેકવિધ આંબાઓમાં અત્યારે તો મજાની નાની નાની કેરીઓ ઝુલે છે. અતુલ આ બધું એક આંખે જોતા જાય ને પપ્પાને સ્મરણાંજલી અર્પતા જાય. પક્ષીઓના ગાન પુરાં થયાં પછી તેઓ ચણવા અને પાણી પીવા આવે. અમે પક્ષીઓ માટે હંમેશા પાણી ભરી રાખીએ છીએ અને ચણ વેરી રાખીએ છીએ. ક્યારેક ડરીને ઉડી જતા પક્ષીઓને જોઈને અતુલના મુખેથી કલાપીની આ પંક્તિઓ સરી પડે – રે પંખીડા સુખથી ચણજો………..

https://madhuvan1205.files.wordpress.com/2011/03/kalarav_011.jpg

રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો’ દી’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી