ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 23, 2011

મધુવન દરેક ઉત્સવ ઉજવવા માટે જાણીતું છે. આ વખતે અતુલની આંખની તકલીફને કારણે હોળીને દિવસે અને ધુળેટીની બપોર સુધી તો અમે અતુલની સારવાર માટે ભાવનગરની બહાર અમદાવાદ હતા. આસ્થા સવારે તો તેની બહેનપણી સાથે રમવા અને હંસ: તેના મિત્રો સાથે રમવા નીકળી ગયો. જો કે બાળકોને તેના પપ્પાની તબીયત કરતાંયે વધારે ઉત્કંઠા દર વર્ષની જેમ મમ્મી-પપ્પા સાથે ધુળેટી રમવાની હતી. બાળકોએ તેના પપ્પાની ખબર પણ ન પુછી અને કહેવા લાગ્યા કે આપણે રંગથી અને પાણીથી ક્યારે રમશું? હું ખીજાઇ ગઈ – તમારા પપ્પાને એક આંખે કશું દેખાતું નથી અને તમને રમવાનું સુઝે છે. તેના પપ્પાએ મને શાંત પાડી. કવિ બાળકો છે – તેમના મનમાં તહેવારનો ઉત્સાહ હોય તું તે ઉત્સાહ પર ઠંડુ પાણી ન ફેરવ. તેમણે બાળકોને કહ્યું કે આપણે જમીને રમશુ. બાળકો તો ખુશખુશાલ. જમીને અમે સહુ “દાદાની વાડી” માં રમવા ચાલ્યાં. તો ચાલો તમે પણ અમારી સાથે આ ધુળેટીના રંગમાં રંગથી રંગાશો અને પાણીથી અને સ્નેહ / વાત્સલ્ય / પ્રેમ થી ભીંજાશોને? અને હા, ધુળેટીમાં કોના રંગ, કોણે ઉડાડ્યા અને કોની ઉપર ઉડાડ્યા તે બધું પુછવાનું ન હોય. તો આ વીડીયો સાથે જોડેલા ગીત માટે કોનું સૌજન્ય છે તે કહેવાની કશી જરૂર છે ખરી?અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ