ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 16, 2011

મનહરભાઈના કંઠના ચાહકો શ્રી સૈફ પાલનપુરીની આ જાણીતી ગઝલથી માહિતગાર હોય તેમા કોઈ શંકા નથી. આજે આપણે આ ગઝલને સમજવાનો પ્રયાસ કરીએ – અલબત ઘણી ગઝલો એવી હોય છે કે જે ન સમજાય તોયે સાંભળવાની તો મજા આવે.


શાંત ઝરુખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી,
મેં એક શહેજાદી જોઇ હતી,

એના હાથની મહેંદી હસતી હતી,
એના આંખનુ કાજલ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિહરતુ હતું,

એના સ્મિતમાં સો સો ગીત હતા
એને ચુપકીદી પણ સંગીત હતું.
એને પડછાયાની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી,

આંખના આસોપાલવથી
એક સ્વપ્નમહેલ શણગાર્યો તો,
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો તો,

એ મોજા જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,
કોઈ હસીને સામે જોવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી હતી,

તેને યૌવનની આશિષ હતી
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી,

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરુખો જોયો છે,

ત્યાં ગીત નથી,સંગીત નથી,
પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપનાઓના મહેલ નથી
ને ઊર્મિઓના ખેલ નથી,

બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે,

એ નહોતી મારી પ્રેમિકા,
એ નહોતી મારી દુલ્હન,

મે તો એને માત્ર ઝરુખે
વાટ નિરખતી જોઇ હતી,

કોણ હતું એ નામ હતું શું
એ પણ હું ક્યાં જાણું છું,

તેમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,

બહુ સૂનું સૂનું લાગે છે.


સૌજન્ય:હિરેન બારભાયાની ડાયરી

અરે ભાઈ આ ગઝલની વિડિયો ફીલમ પણ તમને હિરેનભાઈની ડાયરી પરથી મળી જશે. તો રાહ કોની જુઓ છો? ઉપરની લિન્ક પર ક્લિક કરો !!!!