સત્ય એ સત્ય હોય છે – તે કડવું પણ નથી હોતું અને મીઠું પણ નથી હોતું. પ્રત્યેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની જેનામાં હિંમત અને ખુમારી હોય તેને સત્ય પચાવવું અઘરુ નથી લાગતું પણ જેને પોતાના અંગત રાગ-દ્વેષ હોય તે સત્યને એટલે કે વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી અને પરીણામે જૂઠના દિવાસ્વપ્નોમાં રચ્યા કરે છે. આજે માણીએ શ્રી મનહર ઉધાસજીના મનોહર કંઠે ગવાયેલી શ્રી કુતુબ આઝાદની આ ગઝલ.


બહુ ઓછા હશે જે સત્ય વાતોને સ્વીકારે છે


“હું આપની વાતો ના માનું, એવું તો કશુંયે ખાસ નથી,
પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી.”

બહુ ઓછા હશે જે સત્ય વાતોને સ્વીકારે છે,
ઘણાની જિંદગી તો જુઠનાં કેવળ સહારે છે.

અમારાને અમારા જે હતા તેઓ પરાયા થઈ,
વધારે ને વધારે વેદનાઓને વધારે છે.

ઉભા રહીને કિનારે ને કિનારે દ્રષ્ય જોનારા,
તમાશો ડૂબનારાનો જૂએ છે કોણ તારે છે?

સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા,
વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે.

દુઆ કરતા હતા ‘આઝાદ’ જે મારા મરણ માટે,
હવે મારી કબર આરસની કરવાનું વિચારે છે.


શબ્દ માટે સૌજન્ય : રણકાર
અને હા, કોપી-પેસ્ટ કેવી રીતે કર્યું તે કોઈ પુછતા નહિં હો 🙂


Advertisements