અહિં કવિ રમણલાલ વ્યાસ કેવી સુંદર વાત કરે છે કે હું માનવી છું તો પછી માનવ જેવા કાર્ય કરીને એક માનવ-દીપક થવું છે. જેવી રીતે દીપક પોતાની આસપાસ અજવાળું ફેલાવે છે તેવી રીતે હુ પણ મારી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીશ, મારા વિચારો પ્રકાશમય રાખીશ અને મારી આસપાસના વાતાવરણને ઉજાસમય બનાવીશ. જો પ્રત્યેક માનવ સંકલ્પ કરે હું એક માનવ-દીપક બનીશ તો જગતમાં ચોમેર પ્રકાશ પથરાઈ જાય. આજે સાતમાં ધોરણમાં ભણતાં પ્રતિકને આ કવિતા ભણાવતી હતી ત્યારે થયું કે શું દરેકે આ કવિતા ભણવા જેવી નથી?

મારે માનવ-દીપક થાવું,
રે મારે માનવ-દીપક થાવું.

જીવન-જ્યોત સદાય જલાવી, કોક ખૂણૉ અજવાળું;
જગનો કોક ખૂણૉ અજવાળું.
અંધજનોને રાહ બતાવી-અથડાતાં અટકાવું.
રે મારે માનવ-દીપક થાવું.

વેર,ઝેર,હિંસા,અસૂયાનું વધતું જ્યાં અંધારુ;
વધતું જ્યારે જ્યારે અંધારુ.
સત્ય, અહિંસા, શીલ, ત્યાગનું, કરીશ હું અજવાળું.
રે મારે માનવ-દીપક થાવું.

ટમટમતો રહું દીપક વાંછા, નહિ સૂરજ શું થાવું;
જગમાં નહીં સૂરજ થાવું.
મૂક જલી રહી ગર્વહીન હું, મારું કામ બજાવું.
રે મારે માનવ-દીપક થાવું.

Advertisements