તા.૨૯ જાન્યુઆરી ૨૦૧૧
ચેમ્બર હોલ, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ સર્કલ
ભાવનગર.

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના નવપ્રસ્થાન નિમિત્તે ઉજવણીના ત્રી-દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજના અંતિમ દિવસે સાંજે ૫:૦૦ કલાકે ગુજરાતી સાહિત્યના પ્રખર લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે સાહિત્ય ગોષ્ઠિનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે સંગીત સંધ્યા, દ્વિતિય દિવસે શ્રી માયાભાઈ આહીરનો લોક-ડાયરો અને આજે શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે સાહિત્ય ગોષ્ઠી આમ આ ત્રણ દિવસ ભાવનગરની કલા અને સાહિત્યની રસીક જનતા માટે એક પર્વ સમાન બની ગયા.

ગુજરાતી સાહિત્યના નવા પ્રવાહો અને તેમાં મહિલાઓનો સમાવેશ વિશે આ સાહિત્ય ગોષ્ઠિમાં વિચાર વિમર્શ કરવામાં આવેલ.

શ્રી કાજલ ઓઝા વૈદ્યે કૃષ્ણાયન, યોગ-વિયોગ, પોતપોતાની પાનખર, દરિયો એક તરસનો, સત્ય-અસત્ય જેવી લોકપ્રિય નવલકથાનું સર્જન કર્યું છે. આ ઉપરાંત તેમણે કવિતા, નવલિકા, નિબંધ, પત્રો અને અનુવાદ ક્ષેત્રે પણ ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ કર્યું છે. વળી પરફેક્ટ હસબન્ડ જેવા નાટકો દ્વારા નાટ્યક્ષેત્રે પણ અનોખું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આમ તો કાજલ બહેન સમયની પાબંદીમાં ચૂસ્ત પણે માને છે વળી ભાવનગરના જ મુળ વતની છે પણ ઘણાં વખતે આવ્યાં હોવાથી રસ્તો ભુલી જતાં ખાસ્સા કલાકથી દોઢ કલાક મોડા પહોંચેલા – જો કે શ્રોતાઓ અને સાહિત્ય રસીકોને તે વાતનો બીલકુલ ખેદ ન હતો પરંતુ તેમની સાથે વિચાર ગોષ્ઠિ થઈ શકી તે બાબતનો આનંદ જ હતો.

કાર્યક્રમની શરુઆત ડો. વિનોદ જોષી દ્વારા કાજલ બહેનના પરીચય આપવાથી થઈ. ત્યાર બાદ શ્રી કાના બાંટવાએ ઉદબોધન કર્યું અને શ્રી કાજલ બહેનને પોતાની રસપ્રદ ગોષ્ઠિ દ્વારા સાહિત્ય પ્રેમીઓને વિચારતા કરી દેવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર બાદ શ્રી કાજલ બહેને લગભગ અડધો કલાક સુધી પોતાની સ્પષ્ટ અને સુમધુર ભાષામાં રસપ્રદ વક્તવ્ય આપ્યું જે આપ અહીં માણી શકશો.

ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થયો હતો જેના સંતોષકારક પ્રત્યુત્તરો કાજલ બહેને આપેલા. ઘણાં બધા વાચકોએ કાજલબહેનના સહિત્યની પોતાના પર ઉંડી અસર પડી છે તેમ કબુલ કરેલું અને પ્રતિભાવમાં કાજલબહેને તેમનો આભાર માનેલો.

અંતમાં શ્રી તારકભાઈ શાહ દ્વારા આભાર વિધી કરવામાં આવી તથા શ્રી કાના બાંટવા અને ડો.વિનોદભાઈ જોષી ના હસ્તે શ્રી કાજલબહેનને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. છુટાં પડતી વખતે કાજલ બહેને પ્રેમપૂર્વક સાહિત્ય રસીકોને પોતાના હસ્તાક્ષર આપ્યાં અને આમ આ સાહિત્ય ગોષ્ઠિ તથા ત્રિ-દિવસીય કાર્યક્રમ પૂર્ણ થયો.

Advertisements