તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧
ભાવનગર.

દિવ્યભાસ્કર ગૃપનું સૌરાષ્ટનું અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” તેના નવા બનેલા મકાનમાં જ્યારે નવપ્રસ્થાન કરી રહ્યું છે તથા સહુ પ્રથમ ૩ડી અખબાર બહાર પાડવાનું શ્રેય જેમને જાય છે તેવા પ્રસંગને વધાવવા માટે ભાવનગરના કલાકારોને પોતાની કલા પીરસવાનો મોકો દિવ્યભાસ્કર ગૃપ દ્વારા પુરો પાડવામાં આવ્યો હતો.

ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગરના જ ગાયકો શ્રી પ્રણવ મહેતા અને શ્રી ધર્મિન મહેતાએ પોતાના જોશીલા અને ખુમારી ભર્યા કંઠથી શ્રોતાઓને આંદોલિત કર્યા હતાં. જ્યારે ડો.ભાવના પ્રણવ મહેતા અને કુમારી ખુશાલી શુક્લના ભાવવાહી અને સુમધુર કંઠનું આકંઠ પાન કરીને શ્રોતાઓ એક અગમ્ય ભાવ-જગતમાં સરી પડ્યા હતા.

નીરવ પંડ્યાએ કી-બોર્ડ પર, મીલન મહેતાએ ઢોલક પર અને જ્વલંત ભટ્ટે તબલાં પર સંગત આપી હતી. આ ઉપરાંત કી-બોર્ડના ભારતની બહાર પણ જેઓ પોતાની કલા પીરસી ચૂક્યા છે તેવા એક મિત્રએ પણ સંગત આપી હતી (જેનું નામ ભુલાઈ ગયું છે – ક્યાંયથી જાણવા મળશે તો જણાવીશું).

કાર્યક્રમની શરુઆત ભાવના અને ખુશાલીના યુગલ સ્વરમાં “મીલે સૂર મેરા તુમ્હારા” ની બે પંક્તિઓ ગાઈને શ્રી ભીમસેન જોષીને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવી હતી.

જુના અને નવા અનેક ગીતોના સુમેળથી આ ચારેય ગાયકોએ શ્રોતાઓને શરુઆતથી અંત સુધી જકડી રાખ્યા હતા. પ્રત્યેક ગીતની પહેલાં મીતુલ રાવલનો સંવાદ સમગ્ર માહોલને સંવાદી બનાવી અને શ્રોતાઓના ચહેરા પર એક આછેરું સ્મિત ફેલાવતો રહ્યો હતો.

અંતમાં “વંદે માતરમ” ગીતથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આયોજકો, કલાકારો અને શ્રોતાઓ ઉંડા સંતોષ અને કશુંક પામ્યાની ભાવના લઈને વીખરાયા હતા.

Advertisements