કવિતા

ફોટોગ્રાફ તારીખ : ૨૧ જુલાઈ ૧૯૯૬

ઈસ્વીસનનો પ્રથમ અને છેલ્લો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણકે આજના દિવસે મારી વ્હાલસોઈ કવિતાનો જન્મ થયો હતો. કવિતાથી હવે આપ સહુ પરિચિત જ હશો અરે આ બ્લોગ જ કવિતાનો છે. ૩૧/૧૨/૧૯૭૧ ના રાત્રે ૨ થી ૩ ની વચ્ચે કવિતાનો જન્મ થયો હતો. તેના ઘરે એટલે કે પીયરમાં હંમેશા તેઓ ૩૧મી ડીસેમ્બરે જ તેનો જન્મદિવસ ઉજવે છે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ચોઘડીયા સુર્યોદયથી ગણાય એટલે એક રીતે તેમની વાત સાચી છે કે તીથી પ્રમાણે તેનો જન્મ ૩૧ ડીસેમ્બરે થયો ગણાય. પરંતુ અંગ્રેજી દિવસ રાત્રે ૧૨:૦૦ વાગ્યે પુરો થાય અને ત્યાર પછી નવો દિવસ ગણાય તેથી અમે “મધુવન” માં તેનો જન્મ-દિવસ ૧લી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આમ તેના બે બે જન્મ દિવસ ઉજવાય છે. વર્ષની આખરે અને વર્ષના પ્રારંભે. તેથી ૧૯૯૬થી મારા માટે ઈસ્વીસનનો છેલ્લો અને પ્રથમ દિવસ ઘણો જ મહત્વનો બની ગયો છે.

૨૦૧૦નું આ આખુયે વર્ષ અમારા કુટુંબ માટે એક અજીબોગરીબ વર્ષ બની રહ્યું. અમારા કુટુંબે આ વર્ષે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી તો અનેક વખત કપરા મનોમંથનમાંથી પસાર થવાનું પણ બન્યું. દરેક સારી કે માઠી કોઈપણ પરિસ્થિતિ વખતે કવિતા મારી પડખે અર્ધાંગિની બનીને ઉભી રહી અને મને હુંફ, આશ્વાસન, ટેકો અને ઉત્સાહ આપ્યાં છે. અમારાં કુટુંબના પ્રત્યેક સભ્યનું અમારે મન આગવું મહત્વ છે પણ જો કવિતા મને ન મળી હોત તો મને સ્પષ્ટ પણે લાગે છે કે હું અધૂરો જ રહી ગયો હોત. મારા જીવનમાં તેનું મહ્ત્વ તે હોય ત્યારે નહીં પણ તે જ્યારે ન હોય ત્યારે વધારે સમજાય છે. પ્રત્યેક નાની મોટી બાબતોમાં તે કુટુંબના સભ્યોની સંભાળ લે છે, બાળકોના શિક્ષણનું કાર્ય હોય કે રસોઈ બનાવવાની હોય, ઘરકામ હોય કે બજારનું કામ હોય, ઘરમાં બધું વ્યવસ્થિત કરવાનું હોય કે કશેક પ્રવાસમાં જવાનું હોય ટુંકમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તે તેના ઉત્સાહ અને કાર્યદક્ષતાથી દરેક કાર્યો સારી રીતે ઉકેલે છે. પોતે આનંદથી જીવે છે અને મને પણ આનંદથી જીવતા શીખવાડે છે.

ઘણીએ વખત તે અકળાય છે, મુંઝાય છે અને ક્યારેક કંટાળે પણ છે. તેવે વખતે હું તેને સાંત્વના અને હૂંફ આપુ છું. થોડા પ્રેમાળ શબ્દો કહું છું અને તેની મુંઝવણ, અકળામણ અને કંટાળો તરત જ અદૃશ્ય થાય છે અને ફરી પાછી તે હસતી-રમતી થઈ જાય છે.

આમ તો મને કાવ્ય કે ગઝલ કે એવું કશું રચતા આવડતું નથી પણ મારી “વ્હાલી કવિ” માટે મેં એક કાવ્ય રચ્યું છે જે મારા બ્લોગ પર અગાઉ પણ પ્રસિદ્ધ કરેલ છે તે આજે ફરી વખત અહીં આપની સમક્ષ રજૂ કરું છું.

હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો અમારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?

આજે કવિતાને અમારા કુટુંબ તરફથી જન્મ-દિવસના ખૂબ ખૂબ અભિનંદન. અને હા, તમે પણ જો અભિનંદન આપવા માંગતા હો તો કોમેન્ટ બોક્ષ હાજર જ છે..