હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો,
જિંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો.

મારો પાલવ હું બધે ફેલાવતો ચાલ્યો ગયો,
દોસ્ત દુશ્મન સર્વને અજમાવતો ચાલ્યો ગયો.

એણે કૈં પૂછ્યું અને હું ચૂપ રહી જોતો રહ્યો,
અર્થ એનો એ કરી મનફાવતો ચાલ્યો ગયો.

દુર્દશા મારી નિહાળી એ જ એનાથી થયું,
આંસુઓને આંખમાં એ લાવતો ચાલ્યો ગયો.

મિત્ર શત્રુનાં વિચારોથી હમેંશા પર રહી,
હું હૃદયથી પ્રેમને છલકાવતો ચાલ્યો ગયો.

કોઈ દિન થાશે ફળીને બાગ, એ આશા મહીં,
બિજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો.

જે તરફ ચાલું છું હું ચાલે છે મારા સાથસાથ,
તારલાને મુજ તરફ લોભાવતો ચાલ્યો ગયો.

જુલ્મ કોઈના સહન કરતો રહ્યો હું હર્ષથી,
એ થકી જીવનને હું વિકસાવતો ચાલ્યો ગયો.

બાળપણમાંથી જવાની, ને જવાનીથી જરા,
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.

પાથરું છું ફૂલ એનાં માર્ગમાં હું હર્ષથી,
માર્ગમાં જે કંટકો પથરાવતો ચાલ્યો ગયો.

જિંદગાનીમાં રહ્યો કરતો તમન્નાઓ અશક્ય,
દિલને હું એ રીતથી બહેલાવતો ચાલ્યો ગયો.

શી મુસીબત, શું દૂ:ખો, મુશ્કેલીઓ શી, શું સુખો!
પૃષ્ઠ જીવનનાં હતાં પલટાવતો ચાલ્યો ગયો.

કોઈ જો સમજ્યો નહીં તો દોષ છે એનો ’સગીર’
હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.

Advertisements