ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: ડિસેમ્બર 2010


આજે ચૂલામાં શું શેક્યું છે?

બે બટેટા.

કોઈના મોઢામાં પાણી આવતું હોય તો જરૂર પધારશો.


આજે માણીએ એક જાણીતા બ્લોગ-સાહિત્યકારની ઓછી જાણીતી રચના. આ રચનાના રચયીતાનું નામ અને તેમના બ્લોગનું નામ જે સહુ પ્રથમ કોમેન્ટ બોક્ષમાં લખશે તેમને અતુલે તેમના બ્લોગ પર આ રચનાની સામે આપેલો પ્રતિભાવ પુરસ્કાર રૂપે આપવામાં આવશે. અતુલનો પ્રતિભાવ તેમના બ્લોગ ઉપર પ્રસિદ્ધ કરવામાં નહોતો આવ્યો.


વાછટ જોઈએ? વાદળ જોઈએ?
તડકો આગળ પાછળ જોઈએ? શું શું જોઈએ બોલ.

સાગર જોઈએ? છાલક જોઈએ?
ઝરણું ખળખળ ખળખળ જોઈએ? શું શું જોઈએ બોલ.

વગડો જોઈએ? વાડી જોઈએ?
નીચી નમતી ડાળી જોઈએ? શું શું જોઈએ બોલ.

ડુંગર જોઈએ? દેરી જોઈએ?
કેડી, પગથી, પાળી જોઈએ? શું શું જોઈએ બોલ.

ફૂલો જોઈએ? ફોરમ જોઈએ?
રંગો ફર ફર ફરતા જોઈએ? શું શું જોઈ બોલ.

પંખી જોઈએ? ભમરા જોઈએ?
તમરાં તમ તમ કરતાં જોઈએ? શું શું જોઈએ બોલ.

સપનું જોઈએ? સાચું જોઈએ?
પરખાવું પગરવનું જોઈએ? શું શું જોઈએ બોલ.

તાળી જોઈએ? બંધન જોઈએ?
આલિંગન ભવભવનું જોઈએ? શું શું જોઈએ બોલ.


કવિતા

ફોટોગ્રાફ તારીખ : ૨૧ જુલાઈ ૧૯૯૬

ઈસ્વીસનનો પ્રથમ અને છેલ્લો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણકે આજના દિવસે મારી વ્હાલસોઈ કવિતાનો જન્મ થયો હતો. કવિતાથી હવે આપ સહુ પરિચિત જ હશો અરે આ બ્લોગ જ કવિતાનો છે. ૩૧/૧૨/૧૯૭૧ ના રાત્રે ૨ થી ૩ ની વચ્ચે કવિતાનો જન્મ થયો હતો. તેના ઘરે એટલે કે પીયરમાં હંમેશા તેઓ ૩૧મી ડીસેમ્બરે જ તેનો જન્મદિવસ ઉજવે છે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ચોઘડીયા સુર્યોદયથી ગણાય એટલે એક રીતે તેમની વાત સાચી છે કે તીથી પ્રમાણે તેનો જન્મ ૩૧ ડીસેમ્બરે થયો ગણાય. પરંતુ અંગ્રેજી દિવસ રાત્રે ૧૨:૦૦ વાગ્યે પુરો થાય અને ત્યાર પછી નવો દિવસ ગણાય તેથી અમે “મધુવન” માં તેનો જન્મ-દિવસ ૧લી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આમ તેના બે બે જન્મ દિવસ ઉજવાય છે. વર્ષની આખરે અને વર્ષના પ્રારંભે. તેથી ૧૯૯૬થી મારા માટે ઈસ્વીસનનો છેલ્લો અને પ્રથમ દિવસ ઘણો જ મહત્વનો બની ગયો છે.

૨૦૧૦નું આ આખુયે વર્ષ અમારા કુટુંબ માટે એક અજીબોગરીબ વર્ષ બની રહ્યું. અમારા કુટુંબે આ વર્ષે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી તો અનેક વખત કપરા મનોમંથનમાંથી પસાર થવાનું પણ બન્યું. દરેક સારી કે માઠી કોઈપણ પરિસ્થિતિ વખતે કવિતા મારી પડખે અર્ધાંગિની બનીને ઉભી રહી અને મને હુંફ, આશ્વાસન, ટેકો અને ઉત્સાહ આપ્યાં છે. અમારાં કુટુંબના પ્રત્યેક સભ્યનું અમારે મન આગવું મહત્વ છે પણ જો કવિતા મને ન મળી હોત તો મને સ્પષ્ટ પણે લાગે છે કે હું અધૂરો જ રહી ગયો હોત. મારા જીવનમાં તેનું મહ્ત્વ તે હોય ત્યારે નહીં પણ તે જ્યારે ન હોય ત્યારે વધારે સમજાય છે. પ્રત્યેક નાની મોટી બાબતોમાં તે કુટુંબના સભ્યોની સંભાળ લે છે, બાળકોના શિક્ષણનું કાર્ય હોય કે રસોઈ બનાવવાની હોય, ઘરકામ હોય કે બજારનું કામ હોય, ઘરમાં બધું વ્યવસ્થિત કરવાનું હોય કે કશેક પ્રવાસમાં જવાનું હોય ટુંકમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તે તેના ઉત્સાહ અને કાર્યદક્ષતાથી દરેક કાર્યો સારી રીતે ઉકેલે છે. પોતે આનંદથી જીવે છે અને મને પણ આનંદથી જીવતા શીખવાડે છે.

ઘણીએ વખત તે અકળાય છે, મુંઝાય છે અને ક્યારેક કંટાળે પણ છે. તેવે વખતે હું તેને સાંત્વના અને હૂંફ આપુ છું. થોડા પ્રેમાળ શબ્દો કહું છું અને તેની મુંઝવણ, અકળામણ અને કંટાળો તરત જ અદૃશ્ય થાય છે અને ફરી પાછી તે હસતી-રમતી થઈ જાય છે.

આમ તો મને કાવ્ય કે ગઝલ કે એવું કશું રચતા આવડતું નથી પણ મારી “વ્હાલી કવિ” માટે મેં એક કાવ્ય રચ્યું છે જે મારા બ્લોગ પર અગાઉ પણ પ્રસિદ્ધ કરેલ છે તે આજે ફરી વખત અહીં આપની સમક્ષ રજૂ કરું છું.

હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો અમારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?

આજે કવિતાને અમારા કુટુંબ તરફથી જન્મ-દિવસના ખૂબ ખૂબ અભિનંદન. અને હા, તમે પણ જો અભિનંદન આપવા માંગતા હો તો કોમેન્ટ બોક્ષ હાજર જ છે..


આપ સહુ જાણો છો કે ૨૦૦૯માં દિપાવલીના વેકેશનમાં અમે ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા અને વળતા દિલ્હિ અને રાજસ્થાન થઈને ઘરે પરત ફરેલા. માયાવતીમાં સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના કરેલ છે. અહીંયા કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં નથી આવતી પણ ધ્યાન કરવામાં આવે છે. વેદાંતના ઉચ્ચ અદ્વૈત સિદ્ધાંતને અહીં વ્યવહારમાં મુકવાનો અભ્યાસ કરવામાં આવે છે. શ્રી રામકૃષ્ણ મીશન દ્વારા અહીં આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ દર્દિઓ માટે વિના મૂલ્યે હોસ્પિટલ ચલાવવામાં આવે છે. અતુલના જીવનનું એક સ્વપ્ન હતું કે એક વખત માયાવતી આશ્રમની મુલાકાત લેવી છે અને તે સ્વપ્ન ૨૦૦૯માં પુરુ થયેલું. અહીં કુદરતે પોતાનું સૌંદર્ય છુટ્ટા હાથે વેર્યું છે. પહાડો અને કુદરત એકેબીજામાં ઓતપ્રોત થઈને એવા તો ખીલ્યાં છે કે આ અદભુત દૃશ્યો જોતા વેત જ વાહ વાહ પોકારી ઉઠીયે. આમ તો આ સાથે જોડેલ વિડિયો અમારા કુટુંબના સભ્યોના ફોટોગ્રાફનો વિડિયો છે – જે નેટ પર મુકવાથી એક દિર્ઘકાલીન યાદગીરી જળવાઈ રહે વળી અમારા અંગત સગાં-સ્નેહીઓ કે જે દૂર-સુદૂર વસતાં હોય તે અમને જોઈ શકે તે માટે અહીં મુકવામાં આવે છે. જો કે તેમાં કોપી-રાઈટ કે ખાનગી જેવું કશું નથી. આપ પણ આ કુદરતી દૃશ્યોને માણીને અમારા પ્રવાસમાં જોડાઈ શકો છો. તો આવો માણીએ અમારો માયાવતીનો આ અદભૂત પ્રવાસ.


[Youtube=http://www.youtube.com/watch?v=jcUESjZ4sIk]


કાઠીયાવાડી હોવાં છતાં જો શિયાળામાં રોટલો ને ઓળો ન જમાડીએ તો તો તમને ખોટું જ લાગે ને? અતુલે “મધુવન” ના ચુલામાં શેકેલા રીંગણા અને મેં એકલા બાજરામાંથી ટીપીને બનાવેલા રોટલા સાથે ગોળ, લીલા મરચાં અને તાજું માખણ – તો ચાલો.. જમવા…..
અન્ને સ્વાવલંબી,
કાપડમાં નિકાસ;
વિજ્ઞાન-ટેકનોલોજીનો વિકાસ,
વીજ-પાણીથી સંતૃપ્ત,
વાંચે સમગ્ર ગુજરાત !

તંદુરસ્ત, શિક્ષિત,
પ્રમાણિક, નિખાલસ,
નિ:ર્દંભી ગુજરાતી !

સદભાવ, સંપ, શિસ્તથી,
સુમધુર ગુજરાતી !
એવું સુવર્ણ પ્રભાત.
જય જય ગરવી ગુજરાત.