ગઈ કાલે રવિવાર હતો. બાળકોની ફરમાઈશ થઈ કે ક્યાંક ફરવાં લઈ જાઓ. પહેલાં વિચાર્યું કે ખોડીયાર મંદિર જઈએ. આસ્થાએ તે પ્રસ્તાવનો વિરોધ કર્યો અને કહ્યું કે ક્યાંક દરિયા કિનારે લઈ જાવ. ભાવનગરથી સવારે જઈને સાંજે પાછા અવાય તેવા ઘોઘા, કુડા અને કોળીયાક એમ ૩ સ્થળો છે. ઘોઘામાં ખાસ મજા પડે તેવું નથી, કુડા થોડું આઘું છે એટલે છેવટે પસંદગીનો કળશ કોળીયાક (નિષ્કંલક મહાદેવ) ના દરિયા કિનારા પર ઢોળાયો. ૭ પ્રવાસીનું ગૃપ ઘોઘા જકાત નાકાથી શે’ર રીક્ષામાં (અમારી પાસે મોટર ક્યાં છે?) કોળીયાક ધાવડી મા ના મંદિરે પહોંચ્યું. આ મંદિરે અતુલ અને તેના મિત્ર પ્રવિણભાઈ એક વખત પૂનમની રાત્રે રહેલાં અને ચાંદની રાતમાં દરિયામાં આંટા મારેલા પણ તેની વાત પછી ક્યારેક કરશું. દર્શન કરી અને ઘરેથી લઈ ગયેલ ભાતું જમી લીધું. દરિયા કિનારે ગયાં તો ઓટ હતી. નિષ્કંલક મહાદેવ જવાના બે ફાયદા છે જો ભરતી હોય તો નહાવા મળે અને ઓટ હોય તો દરિયાની અંદર લગભગ પોણો કિલોમીટર ઉંડે આવેલ નિષ્કંલક મહાદેવના દર્શન કરવા મળે. પાંડવો દ્વારા મહાભારતના યુદ્ધમાં ઘણાં લોકો મરાયા હતા અને તેમનું તેઓને કલંક લાગેલું તેથી તે કલંકની નિવૃત્તિ કરવા તેમણે અહીં નિષ્કંલક મહાદેવની સ્થાપના કરેલી તેમ કહેવાય છે. સાચું હોય કે લોકવાયકા પણ અત્યારે અહીં પાંચ પૌરાણિક શિવલિંગ છે. દર ભાદરવી અમાસે અહીં વિશાળ લોક-મેળો ભરાય છે. અતુલ, હું, અર્ચના (મારા ભાભી), કવન (મારી બહેનનો દિકરો), આસ્થા, હંસ અને શ્રેયાંસી (મારા ભાઈની દિકરી) આ અમારા ૭ પ્રવાસીનું ગૃપ દરિયામાં આવેલ નિષ્કંલક મહાદેવના દર્શને ઉપડ્યાં. ત્યાં ના દૃષ્યો માણવા હોય અને અમારા પ્રવાસના સહ-પ્રવાસી બનવું હોય તો નીચેના ફોટો-વિડિયો પર ક્લિક કરો અને જોડાઈ જાવ અમારી સાથે સહ-પ્રવાસી તરીકે..

[Youtube=http://www.youtube.com/watch?v=ABAdnULRyfk]

Advertisements