આજથી શક્તિ પર્વ “નવરાત્રી” શરું થાય છે. ત્યારે આપ સહુને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા.

આપનું જીવન આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરતું રહે તેવી શુભેચ્છા.

ગુજરાતીની ગરિમા સમાન આ નવરાત્રિનું પર્વ ગુજરાતીઓ માતાજીના ગરબા, આરતી, સ્તુતિ અને પ્રાર્થના દ્વારા ઉજવે છે. તો ચાલો આપણે પણ સહુ માતાજીને આવકાર આપતો ગરબો ગાઈને માતાજીનું સ્વાગત કરીએ.


આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, માડી! ઘરે આવો ને.

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

આ ભક્તોના માડી! રાસ રમવા આવોને,
હાં રે અમને તેડી રમાડો રાસ, મારે ઘેર આવો ને… શેરી..

Advertisements