૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦,
આજે મારા મમ્મી (સાસુ) ઈન્દુબહેન નો જન્મ દિવસ છે. તેમને અમારા પરિવાર વતી જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન.

તેમનું બાળપણ રંગૂનમાં વીત્યું. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી પરંતુ તેમના બા (કમળા બા) ના સાનિધ્યમાં તેમણે મીઠાં-કડવા અનુભવો સાથે ખૂબ સરસ રીતે ભણ્યા. તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર અને જે કંઈ નક્કી કરે તે સિદ્ધ કરવા સતત પ્રયત્નો કરતા રહેતા. આમ તેમણે B.A. With English નો અભ્યાસ પૂર્ણ કર્યો.

પરણીને સાસરે આવ્યાં પણ ભણવાની લગની તો હતી જ. સાસરે પણ શિક્ષણના વાતાવરણનો સાથ અને પતિની મદદથી તેઓએ B.Ed કર્યું અને પછી M.A. પણ કર્યું. પહેલા સંઘર્ષ સાથે નોકરીની શોધખોળ શરુ કરી. ભાવનગરની ઘણી શાળામાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. આખરે તેમની તપશ્ચર્યાનો અંત આવ્યો અને ભાવનગરની શ્રેષ્ઠ ગણાતી શાળા શ્રી દક્ષિણામૂર્તિમાં તેઓએ અંગ્રેજી-ગણિતના શિક્ષક તરીકે ૨૩ વર્ષ સેવા આપી અને અનેક બાળકોના “આદર્શ શિક્ષક” બન્યાં. આજે પણ જ્યારે તેમના વિદ્યાર્થીઓ મળે છે ત્યારે તરત જ તેમની પાસે આવી પ્રણામ કરે છે, અને ખબર અંતર પૂછે. રસ્તામાં મળી જાય તો છેક ઘર સુધી પણ મુકી જાય. આવું સન્માન એક આદર્શ શિક્ષકને જ મળે છે.

આમ તો તે મારા સાસુ છે પણ તેઓએ કાયમ એક માની જ ગરજ સારી છે. હું પહેલા તો ક્યાંય એકલા ન જવું તેવું પસંદ કરતી પણ તેઓ મને કાયમ કહેતા કે કોઈની રાહ જોઈશ તો ક્યારેય ઘરની બહાર નહીં જઈ શકે, માટે જ્યાં જવું હોય ત્યાં નીકળી પડ. અને આજે તેમની જ પ્રેરણાથી હું ક્યાંય પણ જવું હોય તો તરત જ નીકળી પડું છું.

શરૂઆતમાં મારે અને એમને જ સાથે જવાનું થતું ત્યારે મને લાગતું કે હું અતુલને પરણી છું કે મમ્મીને!

તેઓએ કાયમ મને એક પીઠબળ પુરુ પાડ્યું છે. શાળામાં નોકરી કરતી ત્યારે તેઓ મોટાભાગનું ઘરકામ સંભાળી લેતાં. આસ્થા-હંસ: ને પણ દાદીમાનું ખૂબ જ સારું સાનિધ્ય સાંપડ્યું છે. તેઓ કાયમ બાળકોને વાર્તા દ્વારા જ બોધ આપે.

ઘરમાં કાઈ પણ વાત થાય તો તરત જ તેઓ વાર્તા દ્વારા કે જોડકણાં અથવા તો પહેલાં ક્યારેય ન સંભળી હોય તેવી કહેવતો દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત સાથે સમજૂતી આપે.

તેઓ શાંત, સરળ અને બહુમુખી પ્રતિભા ધરાવતા એક આદર્શ સાસુ છે. મારે ક્યારેક ખટરાગ થાય તો તેઓ કહે કે “સાંસ કીતની ભી અચ્છી ક્યોં ન હો, આખીર સાંસ સાંસ હી હોતી હૈ!” મારો સ્વભાવ થોડો ગુસ્સાવાળો પણ તેઓ હંમેશા શાંતિથી વાત કરે અને ક્યારેક મનદુ:ખ થાય તો આખરે બે દિવસના રિસામણા બાદ અમારું જીવન પૂર્વવત બની જાય. અમને એક બીજા વગર જરાય સાલે નહીં.

આજે તેમનો 70મો જન્મદિવસ છે. આમ તેઓ તિથિ પ્રમાણે “વિજયા દશમી”ના દિવસે જન્મ્યાં છે તેથી પ્રત્યેક કાર્યમાં વિજયી બનવા પ્રયત્નશીલ રહે છે અને મહદ અંશે વિજયી નિવડે છે. ખૂબ જ કાર્યશીલ,કાર્યકુશળ અને બહુમુખી પ્રતિભા ધરાવતા અમારા માતુશ્રીને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન.

દક્ષિણામૂર્તિનાં બાળમંદિરમાં જ્યારે કોઈ પણ બાળકનો જન્મદિવસ હોય ત્યારે શિક્ષકો બાળકોને કપાળમાં ચાંલ્લો કરી આ પ્રમાણે સંગીત સાથે ગાય છે.

અભિનંદન અભિનંદન
જન્મદિવસના અભિનંદન
અભિનંદન અભિનંદન
“ઈન્દુબહેન”ને અભિનંદન

શતં જીવો શરદ:
શતં જીવો શરદ:
શતં જીવો શરદ:

આજે જનનીના મહિમાનું વર્ણન કરતું આ ગીત માણીએ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.


અને હા, જનની વિશેની સુંદર સ્તુતિ નિત્યશ્રી મહાદેવનના સૂરીલા કંઠે સાંભળીએ.


[Youtube=http://www.youtube.com/watch?v=kS02j2kz53c]

Advertisements